અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષ

પ્રોપર્ટીના ભાવ 13 ટકા વધી ગયા છતાં ખરીદારોની સંખ્યામાં 9 ટકાનો વધારો!

  • લોકો પાસે કેટલા પૈસા છે! પ્રોપર્ટીના ભાવ વધ્યા, તો સાથે વૈભવી મકાનોની ખરીદી માટે લાઈન લાગી છે

નવી દિલ્હી, 4 એપ્રિલ, 2024: કોણ કહે છે કે દેશમાં મોંઘવારી વધી રહી છે? પ્રોપર્ટી ખરીદ-વેચાણના આંકડા જોતા એવું લાગે છે કે લોકોને હવે નાનાં ઘર બિલકુલ પસંદ નથી, તેઓ માત્ર વૈભવી અને વિશાળ જગ્યા ધરાવતી પ્રોપર્ટી જ પસંદ કરે છે. આ અંગેના તાજેતરના આંકડા જોઈને સૌને આશ્ચર્ય થશે. તેમાં સ્પષ્ટપણે જણાય છે કે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં વૈભવી હાઉસના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. અને આ વધારો એવા સમયે જોવા મળી રહ્યો છે જ્યારે એક વર્ષમાં આ પ્રોપર્ટીની કિંમતોમાં 13 ટકાનો વધારો થયો છે.

દેશના આઠ મોટા શહેરોમાં લક્ઝરી ઘર અને પ્રીમિયમ ઓફિસ સ્પેસની માંગ વધી છે. છેલ્લા એક વર્ષમાં જાન્યુઆરી-માર્ચમાં રહેણાંકના વેચાણમાં 9 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ઓફિસ સ્પેસની માંગમાં પણ 43 ટકાનો વધારો થયો છે. ‘ઈન્ડિયન રિયલ એસ્ટેટઃ ઓફિસ એન્ડ રેસિડેન્શિયલ રિપોર્ટ (જાન્યુઆરી-માર્ચ 2024)’ અનુસાર લક્ઝરી ઘરોની માંગ દર વર્ષે વધી રહી છે.

ભાવ પણ વધે છે

પ્રાપ્ત અહેવાલ મુજબ, દિલ્હી-એનસીઆર, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, પુણે અને અમદાવાદમાં રહેણાંક મિલકતના ભાવ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 2 થી 13 ટકા વધ્યા છે. આ સિવાય ઓફિસ સ્પેસના ભાડામાં પણ 9 ટકાનો વધારો થયો છે.

કુલ કેટલી મિલકતો વેચાઈ?

રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી માર્ચ 2024 સુધીમાં દેશના આઠ મોટા શહેરોમાં રહેણાંક મિલકતનું વેચાણ વધીને 86,345 યુનિટ થયું, જે એક વર્ષ અગાઉ 79,126 યુનિટ હતું. વર્ષ 2024ના જાન્યુઆરી-માર્ચમાં ઓફિસ સ્પેસની ગ્રોસ લીઝિંગ 43 ટકા વધીને 1.62 કરોડ ચોરસ ફૂટ થઈ છે. ગયા વર્ષે આ લીઝ 1.13 કરોડ ચોરસ ફૂટ હતી. 1 કરોડ અને તેનાથી વધુ કિંમતના મકાનોના વેચાણમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

વૈભવી ઘરોની માંગ વધુ વધશે

છેલ્લા કેટલાક સમયથી ઘર ખરીદનારાઓ મોટા અને લક્ઝરી હાઉસ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને કોવિડ પછી, લોકોને કામ કરવા અને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ જગ્યા અને વધારાના રૂમની જરૂર પડી રહી છે. રોકાણમાં પણ ખરીદદારો મોટાં મકાનો તરફ વળ્યા છે, જેના કારણે લક્ઝરી રિયલ એસ્ટેટમાં વધુ લોન્ચ જોવા મળ્યા છે. ડેવલપર્સ પણ આ વિચાર સાથે આગળ વધી રહ્યા છે. હાઈ રેન્જ પ્રોપર્ટીની માંગ આગામી સમયમાં વધુ વધશે એવું વર્તમાન ટ્રેન્ડ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ રેલવેની શ્રી રામાયણ યાત્રા ટ્રેન શું છે? ફાઈવ સ્ટાર સુવિધાઓ ધરાવતી આ ટ્રેન વિશે જાણો બધી વિગતો

Back to top button