સુપ્રીમ કોર્ટ 8 મેના રોજ 65 ટકા ક્વોટાના નિયમ હેઠળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્મા સહિત 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારતી અરજી પર સુનાવણી કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરીશ હસમુખભાઈ વર્મા દ્વારા માનહાનિના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ થઈ ગયું હતું. ગુજરાતના સિનિયર સિવિલ જજ કેડરના બે ન્યાયિક અધિકારીઓએ હરીશ હસમુખભાઈ વર્મા સહિત આ 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારી છે.ગુજરાત સરકારના કાયદાકીય વિભાગમાં અન્ડર સેક્રેટરી રવિકુમાર મહેતા અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના આસિસ્ટન્ટ ડિરેક્ટર સચિન પ્રતાપરાય મહેતાએ 68 ન્યાયિક અધિકારીઓની પસંદગીને પડકારતી અરજી દાખલ કરી છે. 28 માર્ચે દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટને આ નિમણૂંકો રદ કરવાની અપીલ કરવામાં આવી છે. અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ પૂર્વિશ મલકને 10 માર્ચે હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલ પસંદગી યાદી અને રાજ્ય સરકાર દ્વારા તેમની નિમણૂકની સૂચનાને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશની માંગ કરી હતી.
આ પણ વાંચો : Gujarat : જાસૂસ રણછોડ રબારીની ગાથા શાળાઓમાં ભણાવવામાં આવશે
28 એપ્રિલે સુપ્રીમ કોર્ટે કોર્ટમાં પેન્ડિંગ મામલા પર ન્યાયાધીશોની બદલી માટે 18 એપ્રિલે નોટિફિકેશન બહાર પાડવા બદલ હાઈકોર્ટ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. નોટિફિકેશન મુજબ વર્માની રાજકોટ જિલ્લા કોર્ટમાં અધિક જિલ્લા ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી રહી છે. કોર્ટે ખાસ કરીને HCનો જવાબ માંગ્યો હતો કે શું સંબંધિત પોસ્ટ્સ પર પ્રમોશન સિનિયોરિટી-કમ-મેરિટ અથવા મેરિટ-કમ-સિનિયોરિટીના આધારે આપવામાં આવે છે અને સમગ્ર મેરિટ લિસ્ટને રેકોર્ડ પર મૂકવું જોઈએ. અરજદારોએ જણાવ્યું હતું કે ઘણા પસંદ કરેલા ઉમેદવારો કરતાં વધુ માર્કસ મેળવવા છતાં, મેરિટ-કમ-સિનિયોરિટીના સિદ્ધાંતને બાયપાસ કરીને અને તેના બદલે સિનિયોરિટી-કમ-મેરિટના આધારે ઓછા માર્કસ ધરાવતા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી રહી છે.