મહિલા પ્રતિનિધિત્વ વધારવાનું વચન કાગળ પર, પ્રથમ બે ચરણમાં માત્ર 237 ઉમેદવારો મેદાનમાં
નવી દિલ્હી, 18 એપ્રિલ: લોકસભા ચૂંટણીમાં મહિલાઓના દિલ જીતવા માટે તમામ પાર્ટીઓ વચનોની લ્હાણી કરતા હોય છે. રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે દરેક લોકો ઈચ્છતા હોય છે. જેને લઈને ચૂંટણી ટાણે એકથી એક વાયદા કરાય છે. પરંતુ રાજકારણમાં શબ્દો અને કાર્યોમાં તફાવત હોવો સામાન્ય છે. ફરી એકવાર વાયદાઓથી વિપરિત એવી જ સ્થિતિ 2024ની લોકસભા ચૂંટણીમાં જોવા મળી છે. The Quantum Hubના વિશ્લેષણ પ્રમાણે કુલ ઉમેદવારોમાંથી મહિલા ઉમેદવારોની સંખ્યા ખૂબ જ ઓછી છે. તમામ પક્ષોએ આશ્વાસન આપ્યું હતું કે પરિસ્થિતિ બદલાશે અને વધુને વધુ મહિલાઓને ટિકિટ આપવામાં આવશે, પરંતુ આવું થતું જોવા મળ્યું નથી. આંકડા દર્શાવે છે કે બે તબક્કા માટે કુલ 2831 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં મહિલા ઉમેદવારોની સંખ્યા માત્ર 237 છે, એટલે કે માત્ર 8.3%.
મહિલાઓને ટિકિટ આપવામાં રાષ્ટ્રીય પક્ષોનો હિસ્સો નહિવત્
સમજવા જેવી વાત એ છે કે, આ 237 મહિલા ઉમેદવારો મેદાનમાં દેખાઈ રહી છે, ત્યાં રાષ્ટ્રીય પક્ષોનો હિસ્સો ના બરાબર છે. ભાજપ, કોંગ્રેસ જેવા પક્ષોએ મહિલા ઉમેદવારો પર બહુ વિશ્વાસ વ્યક્ત કર્યો નથી. તેનાથી વિપરિત જે પક્ષોની વધુ ચર્ચા થતી નથી, જેને વધુ સમર્થન નથી માનવામાં આવતું અને જે મીડિયાથી દૂર છે, તેમણે વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેને અમાન્ય પક્ષો કહી શકાય કે જેમની પાસે ન તો રાષ્ટ્રીય પક્ષનું શીર્ષક છે કે ન તો પ્રાદેશિક પક્ષોનું. હવે આને બે તબક્કાના ડેટા પરથી પણ સમજી શકાય છે.
237 મહિલા ઉમેદવારોમાંથી 92 મહિલા ઉમેદવારોને અમાન્ય પક્ષો દ્વારા મેદાનમાં ઉતારવામાં આવી છે. આ પછી 87 મહિલા ઉમેદવારો છે જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી છે. પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો માત્ર 12 મહિલા ઉમેદવારોને તક આપવામાં આવી છે અને રાષ્ટ્રીય પક્ષો માટે આ આંકડો 46 છે. જેમાં પ્રથમ બે તબક્કામાં ભાજપે 15% મહિલા, ડાબેરીઓએ 13%, ત્રીજા સ્થાને દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે 10% મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. છેલ્લે માયાવતીની બસપા છે જેણે 7% મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. મતલબ કે મોટા પક્ષોની વાત કરવામાં આવે તો ભાજપ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં સૌથી આગળ છે.
મહિલાઓને મેદાનમાં ઉતારવામાં તમિલનાડુ સૌથી આગળ
હવે જો આપણે સમગ્ર દેશમાં સૌથી વધુ મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતારવાની સીટ વિશે વાત કરીએ તો અહીં દક્ષિણનું રાજ્ય તમિલનાડુ આગળ છે. તમિલનાડુની કરુર બેઠક એવી છે કે જ્યાં 7 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં એક રાષ્ટ્રીય પક્ષની છે અને બાકીના અપક્ષો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કરુર પછી કર્ણાટકની બેંગલુરુ ઉત્તર સીટ પણ બીજા ક્રમે આવે છે જ્યાંથી 6 મહિલા ઉમેદવારો એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે. મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ આવી જ સ્થિતિ છે. રાજસ્થાનના ભરતપુરમાં પણ કુલ 6 ઉમેદવારોમાંથી 3 મહિલા ઉમેદવારો છે, જ્યારે કેરળના વડકારા અને અલાથુરમાં 40% મહિલા ઉમેદવારો જોવા મળે છે. કેરળની વાડાકારા સીટને લઈને એક ખૂબ જ રસપ્રદ હકીકત સામે આવી છે. અહીંથી જે ચાર મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે તમામનું નામ એક જ છે, માત્ર સ્પેલિંગ થોડાક આઘાપાછા છે. અહીંથી ડાબેરીઓએ રાજ્યના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાને મેદાનમાં ઉતાર્યા છે. અન્ય ઉમેદવારોના નામ સાયલાજા પી, શૈલજા અને કેકે શૈલજા છે.
આ પણ વાંચો: પ્રથમ તબક્કાના મતદાનમાં 8 કેન્દ્રીય મંત્રીઓ, બે પૂર્વ CM અને એક રાજ્યપાલનું ભાવિ દાવ પર