ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર અગ્રણી નેતાઓ સહિત દેશે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 30 જાન્યુઆરી: 30 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસમાં એક અંધકારમય અધ્યાય તરીકે નોંધાયેલો છે. હકીકતમાં 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. આજે 30મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મહાત્મા ગાંધીને તેમની 76મી પુણ્યતિથિ પર રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ઉપરાજ્યપાલ વિનય સક્સેના સહિત વિવિધ અગ્રણી નેતાઓએ બાપુજીને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મહાત્મા ગાંધીજીની 76મી પુણ્યતિથિના અવસર પર દેશના રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ તેઓ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ બાપુજીને શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા

પીએમ નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે હું પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપણા દેશ માટે શહીદ થયેલા તમામ લોકોને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. તેમનું બલિદાન આપણને લોકોની સેવા કરવા અને આપણા રાષ્ટ્ર માટેના તેમના સપનાને સાકાર કરવાની પ્રેરણા આપે છે.


PM મોદીની અંગત ડાયરીના કેટલાક પેજ ‘ModiArchive’ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે, જે મોટાભાગે ‘X’ પર વડાપ્રધાનના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરે છે, જેમાં તેમણે મહાત્મા ગાંધીના કેટલીક મહત્વની વાતો લખી છે.  આ વાતો દર્શાવે છે કે મહાત્મા ગાંધીના આદર્શોની તેમના જીવન પર ઊંડી અસર હતી. આ આદર્શોની અસર તેમની કલ્યાણકારી યોજનાઓ અને તેમના સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્રમાં પણ જોવા મળે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પુણ્યતિથિ કાર્યક્રમમાં હાજર રહ્યા

રાહુલ ગાંધીએ ન્યાય યાત્રામાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના અરરિયામાં ન્યાય યાત્રા કેમ્પમાં બાપુ માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ન્યાયની આ મહાન યાત્રા ગાંધીજીના વિચારોથી પ્રેરિત છે અને જે પણ તેમની વિચારધારાને કચડી નાખવાનો પ્રયાસ કરશે અમે ત્યાં અડીખમ ઊભા રહીશું.

જયરામ રમેશે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર લખ્યું કે 76 વર્ષ પહેલા આ દિવસે નફરત ફેલાવતી શક્તિઓ દ્વારા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આ વિચારધારા વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રહેશે, જેમણે તેમના જીવનકાળ દરમિયાન મહાત્માનો વિરોધ કર્યો, તેમને નકારી કાઢ્યા અને આખરે તેમની હત્યા કરી, પરંતુ હવે તેમનો વારસો હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અહિંસાને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવનાર અને અંગ્રેજોને દેશની બહારનો રસ્તો દેખાડનાર મહાત્મા ગાંધી પોતે હિંસાનો શિકાર બન્યા. તે દિવસે પણ તે રોજની જેમ સાંજે પ્રાર્થના માટે જતા હતા. તે જ સમયે ગોડસેએ તેમને ખૂબ જ નજીકથી ગોળી મારી અને સાબરમતીના સંત ‘હે રામ’ કહીને દુનિયાને અલવિદા કહ્યું. મહાત્મા ગાંધીની પુણ્યતિથિની યાદમાં અને દેશની આઝાદીમાં તેમના યોગદાનને માન આપવા માટે દર વર્ષે 30 જાન્યુઆરીએ દેશમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા બદલ ઈમામ ઉમર અહેમદ સામે ફતવો જારી

Back to top button