ગુજરાતફૂડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી
જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂતે આંબાના ઘનિષ્ઠ વાવેતરથી મેળવ્યો રૂ.72 લાખનો નફો, જાણો કેવી રીતે ?
ગુજરાતની બાગાયતી ખેતી દિન પ્રતિદિન નવા આયામો પ્રસ્થાપિત કરી રહી છે. વાત જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચોકલી ગામના પ્રગતિશીલ ખેડૂત નાથાભાઈ ભાટુની પ્રયોગશીલ ખેતીની છે. તેઓ ઘનિષ્ઠ વાવેતર પધ્ધતિથી આંબાનું વાવેતર કરી મબલખ કમાણી કરી રહ્યા છે.
૨૦ વીઘામાં ૧૦*૧૦ ફૂટના અંતરે આંબાનું કર્યું વાવેતર
નાથાભાઈ ભાટુએ ૨૦ વીઘા જમીન પર આંબા પાકનું ઘનિષ્ઠ પદ્ધતિથી ૧૦ ફૂટ * ૧૦ ફૂટના અંતરે વાવેતર કરી કુલ ૩૦૦૦ આંબાના ઝાડ ઉછેરેલ છે. નાથાભાઈ આધુનિક ઘનિષ્ટ વાવેતર પધ્ધતિ અપનાવી ૧૦ ફુટ * ૧૦ ફુટ અંતરે વાવેતર કરતા હેક્ટરે આંબાઓની સંખ્યા ૧૦૦ જેટલી થવા જાય છે.
વર્ષ ૨૦૦૮થી વૃંદાવન બ્રાન્ડ બનાવી ગ્રેડ મુજબ કેરીનું મુંબઈ પુણે સુધી ઓનલાઇન વેચાણ
નાથાભાઈ દ્વારા વર્ષ ૨૦૦૮થી વૃંદાવન બ્રાન્ડની કેરીનું સેલ્ફ માર્કેટિંગ કરી ગુજરાતભરમાં તેમજ મુંબઈ અને પુણે સુધી વેચાણ કરે છે. વધુમાં નાથાભાઇએ કેરીના પાકનું ગ્રેડીંગ શરૂ કરી જેમાં ૨૫૦થી ૩૦૦ ગ્રામ વજન ધરાવતા ફળોને એ ગ્રેડ ૨૦૦થી ૨૫૦ ગ્રામ વજન ધરાવતા ફળોને બી ગ્રેડ તથા ૨૦૦ ગ્રામથી ઓછુ વજન ધરાવતા ફળોને સી ગ્રેડ મુજબ વર્ગીકરણ કરી વેચાણ કરે છે.
કોઈપણ વ્યવસાયમાં સફળ થવા પ્રમાણિકપણે તનતોડ મહેનત જરૂરી છે – નાથાભાઈ ભાટુ
મુળ કુતિયાણા તાલુકાના પસવારી ગામના વતની નાથાભાઈ ભાટુ ખેતીના વ્યવસાયની સાથે સહકારી મંડળીમાં સબ ઓડીટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે સરકારી નોકરીમાં ભરૂચ, અંકલેશ્વરના કાર્યક્રમ દરમિયાન ખેતી કરતા હતા. હાલ ખેતી નફાનો વ્યવસાય રહ્યો નથી. એ અંગે નાથાભાઈ જણાવ્યું કે, અત્યારે ખેતીક્ષેત્રે ચીલાચાલુ પદ્ધતિ કરતા નવીન પદ્ધતિથી ખેતી કરવી જરૂરી છે સાથે જ કંઈક નવું કરવા જીજ્ઞાસાવૃતિ પણ જરૂરી છે. કોઈપણ વ્યવસાયમાં સફળતામાં તનતોડ મહેનત કરો. પ્રામાણિક ખૂબ જ જરૂરી છે.
આંબા પાકમાં ઘનિષ્ઠ વાવેતર પદ્વતિ એટલે ?
આંબા પાક ઉત્પાદનમાં ભારત વિશ્વમાં અગ્રણી દેશ છે. પરંતુ દેશ વિદેશમાં પાકની માંગ ઉભી કરવી, ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવુ, નફાકારક વ્યવસાય બનાવવો અને પ્રતિ એકર વધુ ઉત્પાદન મેળવવું એ મોટા પડકારો છે. કેરીનું પોષણ મુલ્ય, સ્વાદ, આકર્ષક રંગ, દેખાવ અને વિવિધ ઉપયોગો તથા તેની લોકભોગ્યતાની દ્રષ્ટિએ તેને વિશ્વમાં ઉત્પન્ન થતા ફળોમાં ફળોના રાજાનું બિરૂદ મળેલ છે. ઘનિષ્ઠ વાવેતર પદ્વતિ એટલે જમીનની ફળદ્રુપતાને હાનિ પહોંચાડ્યા વગર એકમ વિસ્તારમાં વધુ ઝાડ સમાવવા કે જેથી એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકાય. હાલના સંજોગોમાં નવી ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક સંશોધન મુજબ હેક્ટર દીઠ કુલ ઝાડની સંખ્યા વધારે રાખીને સંશોધન કરતા આ પદ્વતિ ફાયદાકારક નિવડેલ છે. ઘનિષ્ઠ વાવેતર પદ્વતિમાં આંબા પાકનું વાવેતર ટુંકા અંતરે કરવામાં આવે છે. જેમ કે, ૬ મીટર બાય ૪ મીટર, ૬ મીટર બાય ૩ મીટર, ૫ મીટર બાય ૫ મીટર, ૫ મીટર બાય ૪ મીટર, ૫ મીટર બાય ૨.૫ મીટર વગેરે…
આંબાના રોપાથી લઈને બોક્સ ખરીદવા સુધીની સબસિડીનો લાભ લેતા નાથાભાઈ ભાટુ
વર્ષ ૨૦૦૮ થી આંબાની ઘનિષ્ટ વાવેતરની પદ્ધતિથી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત નાથાભાઈ સરકારની ખેડૂતો માટેની કાર્યરત કરેલ વિવિધ યોજનાઓનો લાભ લીધો છે. તેમણે આંબાના વાવેતર માટે, ડ્રીપ ઇરીગેશન, મકાન અને ફેન્સીંગ, ટ્રેક્ટર ખરીદવા તેમજ કેરીના બોક્સ માટે સરકારી યોજનાનો લાભ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં ખેડૂતોની પ્રગતિ થાય તે માટે અનેક યોજના અમલી બનાવવામાં આવી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં ખેતી ક્ષેત્રે સમૃધ્ધિ આવે તે માટે યોજનાઓની અમલવારી કરવામાં આવી રહી છે.