‘હર ઘર તિંરગા અને મેરી મિટ્ટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમો, ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માર્ગદર્શન
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા. 9 થી 30 ઓગસ્ટ દરમિયાન ‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન’ અભિયાન યોજાઈ રહ્યું છે.
દેશના વીરોને સમર્પિત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ઉપલક્ષમાં આજે રાજ્યના વિવિધ જિલ્લામાં મેરી મિટ્ટી, મેરા દેશ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ અધ્યક્ષે વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શિવપ્રકાશ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની વિશેષ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં હર ઘર તિંરગા, તિરંગા યાત્રા અને મેરી મિટ્ટી, મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ અંગે ગણપત વસાવાએ માર્ગદર્શન મેળવ્યું હતું.
૩૦ ઓગસ્ટ સુધી ચાલશે અભિયાન
મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાપી જિલ્લાના ગુણસદા ગામથી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો હતો. દેશભરમાં તા. ૩૦ ઓગસ્ટ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 15મી ઓગસ્ટ સુધી રાજ્યના તમામ ગામોમાં આ અભિયાન હેઠળ મુખ્ય પાંચ થીમ આધારિત સ્થાનિક કાર્યક્રમો યોજાશે. જેમાં રાજ્યના 11, 900થી વધુ ગામોમાં વીર શહીદોના નામ સાથેની શિલાફલકમનું નિર્માણ કરવામાં આવશે. નાગરિકો દ્વારા પંચપ્રણ પ્રતિજ્ઞા લઇ સેલ્ફી અપલોડ કરવામાં આવશે, વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ, સ્થાનિક પરંપરા અને રીવાજો અનુસાર વીરોને વંદન અને રાજ્યના 16,372 ગામોમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે. તદુપરાંત 16મી ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે.