નેશનલસ્પોર્ટસ

Happy Birthday ગગન નારંગ – ભારતના ગૌરવશાળી શૂટર

6 મે, અમદાવાદ: એક સમય એવો હતો જ્યારે ભારતમાં ક્રિકેટ સિવાય અન્ય કોઈ રમતમાં દેશવાસીઓને કોઈજ રસ ન હતો. પરંતુ અન્ય રમતોના કેટલાક ખેલાડીઓએ કોઈ સરકારી મદદની રાહ ન જોતાં જાતેજ આગળ આવવાનો પ્રયાસ કર્યો અને સફળ થયા. ભારતના ace shooter ગગન નારંગ એવા જ એક ખેલાડી છે જે આપબળે આગળ આવ્યા છે.

ગગન નારંગનો જન્મ 6 મે 1983માં મદ્રાસ (ચેન્નાઈ) ખાતે થયો હતો. તેમના પિતા તે સમયે મદ્રાસમાં એર ઇન્ડિયામાં ચીફ મેનેજર હતા. પિતાની નોકરીને કારણે ગગન નારંગને વારંવાર જુદાજુદા શહેરોમાં અભ્યાસ કરવાનો આવતો. તેમ છતાં તેમણે પોતાનો મોટાભાગનો અભ્યાસ હૈદરાબાદમાં કર્યો અને ઓસ્માનિયા યુનિવર્સીટીમાંથી કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.

ગગન નારંગના પિતાના કહેવા અનુસાર ગગન નારંગ જ્યારે ફક્ત બે વર્ષના જ હતા ત્યારથી જ તેમને શૂટિંગની લગની લાગી ગઈ હતી. હૈદરાબાદના બેગમપેટ વિસ્તારમાં આવેલા તેમના ઘરની પાછળના ભાગમાં ગગન નારંગ પોતાની પ્રેક્ટીસ કરતા હતા.

2003માં હૈદરાબાદમાં રમાયેલી આફ્રો-એશિયન ગેમ્સમાં 10m એર રાઈફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને નારંગ દેશવાસીઓની નજરે ચડી ગયા. ત્યારબાદ તેમણે 2006ના વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ જીત્યો હતો. એ જ વર્ષે પ્રી-ઓલિમ્પિક ઇવેન્ટ જે જર્મનીના હેનોવરમાં રમાઈ હતી ત્યાં  તેમણે 703.1 નો વર્લ્ડ રેકોર્ડ તોડીને 704.3નો પોતાનો રેકોર્ડ બનાવ્યો હતો.

2006 વર્લ્ડ કપની ફાઈનલ જે સ્પેનના ગ્રેનેડામાં રમાઈ હતી તેમાં એક અન્ય કેટેગરીમાં પણ ગગન નારંગે ઓસ્ટ્રિયાના થોમસ ફાર્નિકનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. આ દિવસ ગગન નારંગના કહેવા અનુસાર તેમના જીવનનો સહુથી મહત્વનો દિવસ હતો કારણકે આ જ દિવસે બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને ઓબામા ગગન નારંગ માટે પહેલેથી જ પ્રેરણારૂપ વ્યક્તિ હતા.

 નારંગે 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં 4 ગોલ્ડ મેડલ, એશિયન ગેમ્સ 2010માં સિલ્વર મેડલ, 2012ની લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ અને ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2014માં 1 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ  જીત્યા છે.

2010માં સતત ત્રીજા વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (હવે તેને ધ્યાનચંદ એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે) માટે જ્યારે ગગન નારંગને અવગણવામાં આવ્યા ત્યારે તેમણે 2010 કોમનવેલ્થ ગેમ્સ ન રમવાની ધમકી પણ આપી હતી. પરંતુ પરિવાર અને મિત્રો તેમજ પ્રશંસકોના દબાણ બાદ તેઓ આ ગેમ્સમાં રમ્યા હતા.

ત્યારબાદ તેમને ખેલ રત્ન એવોર્ડ પણ મળ્યો અને 2011માં નારંગ પદ્મશ્રીથી પણ સન્માનિત થયા હતા.

ગગન નારંગને આજે તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

Back to top button