ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફિલ્મોમાંથી કમાણી ન થતાં નિર્માતા બન્યો ડ્રગ્સ સ્મગલર, 3 વર્ષમાં 2000 કરોડની હેરાફેરી

  • NCBએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, દિલ્હીમાં 3ની ધરપકડ
  • આ નેટવર્કના માસ્ટર માઈન્ડની ઓળખ તમિલ ફિલ્મ પ્રોડ્યુસર તરીકે થઈ, જે ફરાર
  • છેલ્લા 3 વર્ષમાં આ આરોપીઓએ સ્યુડોફેડ્રિનના કુલ 45 કન્સાઇનમેન્ટ મોકલ્યા હતા

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: NCBએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને દિલ્હીમાં 3 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ડ્રગ્સ બનાવવામાં વપરાતું 50 કિલો કેમિકલ કબજે કરવામાં આવ્યું છે. આ કેમિકલ ‘મિક્સ્ડ ફૂડ પાવડર’ અને સૂકા નારિયેળમાં છુપાવીને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ મોકલવામાં આવી રહ્યું હતું. જ્યારે તમિલ ફિલ્મોના નિર્માતા માટે ફિલ્મનો બિઝનેસ એટલો નફાકારક લાગ્યો નહીં, ત્યારે તેણે ડ્રગ્સ રેકેટ ચલાવવાનું શરૂ કર્યું અને તેની ગેંગે માત્ર 3 વર્ષમાં જ લગભગ 2,000 કરોડ રૂપિયાના ડ્રગ્સની દાણચોરી કરી છે. NCB અધિકારીઓએ શનિવારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો નાશ કરતી વખતે આ માહિતી આપી હતી.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે ડ્રગ્સ રેકેટની આપી હતી માહિતી

NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (DDG) જ્ઞાનેશ્વરસિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે, “ફેડરલ એન્ટી-ડ્રગ એજન્સી અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના અધિકારીઓની સૂચના પર કાર્યવાહી કરીને આ નેટવર્કને તોડી પાડ્યું છે.” તેમણે કહ્યું કે, “4 મહિના પહેલા આ બંને દેશોના અધિકારીઓએ માહિતી આપી હતી કે, ભારતમાંથી તેમને સૂકા નારિયેળના પાઉડરમાં છુપાયેલા ‘મોટી માત્રામાં’ સ્યુડોફેડ્રિન મોકલવામાં આવી રહી છે. યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી માહિતી મળી હતી કે આ કન્સાઇનમેન્ટનો સ્ત્રોત દિલ્હી છે.

જ્ઞાનેશ્વરસિંહે વધુમાં કહ્યું કે, NCB અને સ્પેશિયલ સેલના અધિકારીઓએ આ લિંકને જોડીને 15 ફેબ્રુઆરીએ પશ્ચિમ દિલ્હીના બસઈ દારાપુરા વિસ્તારમાં એક વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા. વેરહાઉસમાંથી 50 કિલોગ્રામ સ્યુડોફેડ્રિન જપ્ત કરવામાં આવ્યું હતું, જે વિવિધ અનાજના ‘ફૂડ મિક્સ’ના કન્સાઇનમેન્ટમાં છુપાવવામાં આવી રહ્યું હતું. આ સંબંધમાં તમિલનાડુના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

માસ્ટરમાઇન્ડ ફિલ્મ પ્રોડ્યુસર ફરાર

જ્ઞાનેશ્વરસિંહે જણાવ્યું કે, ‘આ નેટવર્કના માસ્ટર માઈન્ડની ઓળખ તમિલ ફિલ્મ પ્રોડ્યુસર તરીકે થઈ છે, જે હાલ ફરાર છે. તેને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી સ્યુડોફેડ્રિનનો સ્ત્રોત શોધી શકાય.

DDGના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા લોકોએ NCBને જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં તેમના દ્વારા સ્યુડોફેડ્રિનના કુલ 45 કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યા છે. તેમાં 3500 કિલોથી વધુ સ્યુડોફેડ્રિનનો સમાવેશ થાય છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2000 કરોડ રૂપિયા છે. સ્યુડોફેડ્રિનનો ઉપયોગ મેથામ્ફેટામાઇન બનાવવા માટે થાય છે.

આ પણ જુઓ: હાઈફાઈ ચોર ઝડપાતા ગુજરાતમાં અનેક ચોરીનો ભેદ ઉકેલાવાની શક્યતા

Back to top button