સમસ્યા : ડીસા આખોલ ચાર રસ્તા પર ઉડતી ધૂળની ડમરીઓથી સ્થાનિકો પરેશાન
- મસમોટા ખાડાના કારણે અનેક નાના મોટા અકસ્માત સર્જાય છે
પાલનપુર : ડીસા આખોલ ચાર રસ્તા પર પડેલ ખાડાઓ અને ઉડતી ધૂળની ડમરીઓને લઈને સ્થાનિક વેપારીઓ સહિત વાહનચાલકો રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશો જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ હાલાકીમાં વધારો થઈ રહ્યો છે.
છેલ્લા કેટલાય ગુજરાતમાં વિકાસનાં કામોને લઈને સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. પરંતુ જમીની હકીકત જોતા વિકાસનાં કામોને લઈને લોકો ત્રાહિયામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વાત કરીએ ડીસાના આખોલ હાઈવે પર ઉપરની. તો છેલ્લા ઘણા સમયથી ચોમાસામાં વરસાદ પડતાંની સાથે નેશનલ હાઇવે ઓથોરિટી તંત્રની પોલ ખોલી નાખી હોય તેમ ચાર રસ્તામાં જ મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે.
નેશનલ હાઇવે ઓથોરિટી તંત્રની ખુલી પોલ
આ મામલે સ્થાનિક દુકાનદારો અને વાહનચાલકો દ્વારા વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશોને રજુઆતો કરવામાં આવી હોવા છતાં વહીવટીતંત્ર અને ચુંટાયેલા પ્રતિનિધિઓના પેટનું પાણી હાલતું નથી. ત્યારે આખોલ ચાર રસ્તા પૈકી એક ડીસા, થરાદ, ભીલડી અને ધાનેરા તરફને જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. ત્યારે આ હાર્દ સમા વિસ્તારમાં ચોમાસામાં વરસાદ પડતાંની સાથે નેશનલ હાઇવે ઓથોરિટી તંત્રની પોલ ખોલી દેતાં મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે અનેક નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે.
આ પણ વાંચો : Video: ભવ્ય નજારો, PM મોદીએ મોઢેરા સૂર્યમંદિર ખાતે 3D પ્રોજેક્શન, હેરીટેજ લાઈટિંગનુ ઉદ્ઘાટન કર્યું
ગંભીર બિમારી ફેલાવાનો ભય
સાથે સાથે ચોમાસામાં નેશનલ હાઇવે ઓથોરિટીની ગટરોમાં સાફસફાઈ ના થતાં અને ભારે વરસાદ થતા આસપાસની દુકાનોમાં આ પાણી ભરાઈ જાય છે. જેથી વેપારીઓને વારંવાર આર્થિક નુકસાન વેઠવું પડે છે. શહેરના અખોલ ચાર રસ્તાથી થરાદ હાઇવે પર થોડા સમય અગાઉ જ નવીનરોડ બનાવવામાં આવેલો છે, પરંતુ રોડ ઊંચો-નીચો હોવાથી અનેક નાના મોટા મસમોટા ખાડા જોવા મળે છે. જેમાં પાણી ભરાઈને પડી રહ્યા છે. જેના લીધે ગંભીર બિમારી ફેલાવાની શક્યતા સેવાઈ રહી છે. અને ખુલ્લી ગટરોમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જ્યારે આખોલ ચાર રસ્તા પાસે નેશનલ હાઇવે નંબર 27ની ગટરોનાં અનેક ઢાકણાઓ ખૂલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ ઉઠી છે.