ટોપ ન્યૂઝનેશનલ

પ્રિયંકા ચતુર્વેદીએ બાલા સાહેબના વીડિયોથી રાજ ઠાકરેને જવાબ આપ્યો, કહ્યું- સસ્તી નકલ માટે આ બોધપાઠ

Text To Speech

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા અને લાઉડસ્પીકરનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદને લઈને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના પ્રમુખ રાજ ઠાકરે સામસામે છે. રાજ ઠાકરેએ શિવસેના પર પ્રહારો તેજ કરતા હાલમાં જ દિવંગત બાલ ઠાકરેનો એક જૂનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો, જેમાં શિવસેનાના સંસ્થાપક એવું કહેતા જોવા મળે છે કે જે દિવસે તેમની પાર્ટી સત્તામાં આવશે, રસ્તા પર નમાઝ અદા કરવાનું બંધ થઈ જશે અને મસ્જિદથી લાઉડસ્પીકર હટાવી દેવાશે. ત્યારે હવે રાજ ઠાકરેના આ વીડિયોના જવાબમાં પ્રિયંકા ચતુર્વેદીએ બાલા સાહેબનો એક વીડિયો શેર કર્યો છે.

બાલા સાહેબના નવા વીડિયોમાં શું છે?
પ્રિયંકા ચતુર્વેદી ટ્વિટર પર વીડિયો શેર કરીને લખ્યું છે કે, “આ છે મૂળ વીડિયો. આ તમામ તે લોકો માટે એક પાઠ છે જેઓ સસ્તી નકલ કરે છે, તેઓ હંમેશા એક ડગલું નહીં પણ અનેક ડગલાઓ પાછળ જ રહેશે.” વીડિયોમાં બાલા સાહેબ કહી રહ્યાં છે, “મને જણાવવામાં આવ્યું કે કોઈ મારા અંદાજમાં બોલે છે. શૈલી ઠીક છે, પરંતુ શું તમારી કોઈ વિચારધારા છે? માત્ર મરાઠી-મરાઠી બુમો પાડવાથી કામ નહીં થાય. તમારા બધાના જન્મ પહેલાંથી મેં મહારાષ્ટ્રમાં મરાઠી મુદ્દો ઉઠાવ્યો હતો.”

પ્રિયંકા ચતુર્વેદીએ બાલા સાહેબના આ વીડિયોથી રાજ ઠાકરે પર કટાક્ષ કર્યો છે. કહેવાય છે કે રાજ ઠાકરેના ભાષણ આપવાની શૈલી બાલા સાહેબ જેવી જ છે. જેને લઈને પ્રિયંકા ચતુર્વેદીએ આ વીડિયો પોસ્ટ કર્યો છે.

રાજ ઠાકરે દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં શું છે?
રાજ ઠાકરે તરફથી ટ્વિટર પર શેર કરવામાં આવેલા 36 સેકન્ડના વીડિયોમાં શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરે ભગવા રંગની શાલ ઓઢીને જોવા મળે છે અને તેમની પાર્ટીનું ચૂંટણી ચિન્હ પણ દેખાય છે. વીડિયોમાં બાલ ઠાકરે કહેતા નજરે પડે છે કે, “જે દિવસે મારી સરકાર બનશે, રસ્તામાં નમાઝ પઢવાનું બંધ કરાવી દઈશ, કેમકે ધર્મ એવો હોવો જોઈએ જે રાષ્ટ્રીય વિકાસમાં અડચણ ન બને. જો અમારો હિન્દુ ધર્મ અડચણ ઊભી કરે છે તો મને જણાવો, હું તેના પર ધ્યાન આપીશ. મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવી દેવાશે.”

બાલા સાહેબનું નવેમ્બર, 2012માં નિધન થઈ ગયું હતું. હાલ તેમનો પુત્ર ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર છે. આ સરકારમાં શિવસેના, NCP અને કોંગ્રેસ છે. રાજ ઠાકરેએ આ વીડિયો એવા સમયે વાયરલ કર્યો છે જ્યારે તેમના નિર્દેશ પછી MNS કાર્યકર્તાઓએ અઝાન વિરૂદ્ધ લાઉડસ્પીકરના ઉપયોગના વિરોધમાં કેટલીક મસ્જિદની પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કર્યો.

Back to top button