મુન્દ્રાની ખાનગી શાળામાં બાળકોને નમાઝ અદા કરાવતા પ્રિન્સિપલ સસ્પેન્ડ !
- બકરી ઈદના દિવસે ઘટના બની હોવાની પ્રાથમિક વિગત
- સમગ્ર ઘટનાનો વીડિયો થયો હતો વાયરલ
- વાયરલ વીડિયોના પગલે હિન્દૂ સંગઠનો અને બાળકોના વાલીઓ થયા હતા દોડતા
- કચ્છ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશો આપ્યા
કચ્છના મુન્દ્રામાં ખાનગી શાળામાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવતાં વિવાદ થયો છે. મુન્દ્રાની શાળામાં હિન્દુ બાળકો પાસે નમાજ અદા કરાવવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ હિન્દુ સંગઠનો અને વાલીમંડળ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે તો મહેસાણાની શાળામાં પણ ઉજવણીને લઈ હોબાળો થયો હતો. હોબાળાના પગલે બંને શાળાના સંચાલકો દ્વારા માફી માગવામાં આવી હતી. જ્યારે કે મુન્દ્રાના પ્રિન્સિપલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના …?
મળતી માહિતી મુજબ કચ્છના મુન્દ્રાના ભોરારા સીમ વિસ્તારમાં આવેલી પર્લ્સ સ્કૂલમાં બકરી ઈદ પૂર્વે 28મી જૂને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાનાં બાળકો નમાજ અદા કરતાં હોય એવો વીડિયો શાળા દ્વારા જ સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વાલીઓમાં અને હિન્દુ સંગઠનોમાં નારાજગી ફેલાઈ હતી અને આ મામલે શાળા-સંચાલકો અને પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. શાળામાં નમાજ પઢાવવાની વાત સામે આવતાં આજે સનાતની ધર્મના વાલીમંડળ સાથે શાળાના સંચાલકો સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી અને શાળામાં માત્ર શિક્ષણકાર્ય પર ધ્યાન આપવામાં આવે એવી માગ કરી હતી. શાળાના સંચાલકોને ભૂલ સમજાતાં નમાજનો જે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો એને દૂર કરી દેવાયો હતો.
તપાસના આદેશ આપવામાં આવ્યા
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ કચ્છ જિલ્લાના ડીડીઓ એસ.કે. પ્રજાપતિએ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસ માટે આદેશ આપ્યો છે. તાલુકા શિક્ષણાધિકારીની ટીમને તપાસ માટે મોકલવામાં આવી છે, જેના રિપોર્ટ આધારે કાર્યવાહી કરાશે. શાળાના સંચાલકોએ આચાર્યને સસ્પેન્ડ કરવા માટે સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.