PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે,14,500 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત અને મુલાકાતે છે . આ દરમિયાન તેઓ ગુજરાતમાં રૂ. 14,500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમજ વિધાન સભાની ચૂંટણી નજીક છે ત્યારે 3 દિવસ સુધી મિશન ગુજરાત અંતર્ગત જંગી પ્રચાર કરશે. આજના કાર્યક્મમાં તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા જ મોઢેરા હેલીપેડ જવા રવાના થશે. સાંજે 5 કલાકે બહુચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધશે.
14,500 કરોડના વિકાસના કાર્યોની આપશે ભેટ
એક સત્તાવાર નિવેદન અનુસાર, 9 થી 11 ઓક્ટોબરની વચ્ચે, પીએમ મોદી તેમના ગૃહ રાજ્યમાં હશે, જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે જ સમયે, 11 ઓક્ટોબરે તેઓ મધ્યપ્રદેશના ઉજ્જૈન જશે. નિવેદન અનુસાર, પીએમ મોદી રવિવારે મહેસાણાના મોઢેરા ખાતે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને બે મંદિરોમાં પૂજા અર્ચના કરશે. સોમવારે ભરૂચના આમોદ અમદાવાદ અને જામનગરમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. પીએમ મોદી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં 712 કરોડની કિંમતની આરોગ્ય સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કરશે. આ સિવાય વડાપ્રધાન કિડની રિસર્ચ સેન્ટરમાં 408 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. બાદમાં પીએમ મેડિસિટીમાં 140 કરોડના ખર્ચે બનેલ GCRIના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરશે.
મહેસાણાથી પ્રવાસ શરૂ થશે
વડાપ્રધાનની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન પાંચ જિલ્લામાં કાર્યક્રમો યોજાશે. જેમાં વડાપ્રધાન ફરી એકવાર હજારો કરોડની ભેટ સાથે તમામ સુવિધાઓ શરૂ કરશે. આ પહેલા વડાપ્રધાન છેલ્લા સપ્ટેમ્બર મહિનામાં બે દિવસ માટે આવ્યા હતા. પીએમના પ્રવાસની શરૂઆત મહેસાણાથી થશે.
મોઢેરામાં સોલાર વિલેજ પ્લાન્ટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન 9 ઓક્ટોબરે ગુજરાતમાં જાહેરસભા કરશે. આ જાહેરસભા બાદ પીએમ મોદી મોઢેરામાં સોલાર વિલેજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બંને કાર્યક્રમો બાદ વડાપ્રધાન મોદી કુલ દેવી મોઢેશ્વરી માતાના દર્શન માટે મોઢેરા જશે. પ્રશાસને વડાપ્રધાનના કાર્યક્રમ માટે ચાર હેલિપેડ બનાવ્યા છે. આ સાથે જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાન દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ બહુચરાજી જવા રવાના થશે અને બહુચરાજી મંદિર પહોંચીને 200 કરોડના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
10 ઓક્ટોબરે પાર્કનો શિલાન્યાસ
ત્યારબાદ ગાંધીનગર પરત ફરી રાજભવન ખાતે રાત્રિ રોકાણ. 10 ઓક્ટોબરે વડાપ્રધાન ભરૂચ પહોંચશે અને અહીં એક પાર્કનો શિલાન્યાસ કરશે. આણંદ પહોંચ્યા બાદ તેઓ જનસભાને સંબોધશે. આણંદ બાદ વડાપ્રધાન જામનગર પહોંચીને વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પછી પીએમ 11 ઓક્ટોબરે વિકાસ કાર્યોની શરૂઆત પણ કરશે.ં
અમદાવાદમાં જનસભા સંબોધશે
જો PM મોદીના 11 ઓક્ટોબરના કાર્યક્રમો પર નજર કરીએ તો, સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે. ત્યાં સભા સંબોધશે. બપોરે રાજકોટથી (Rajkot) અમદાવાદ પહોંચશે અને બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધશે અને સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે.
PM મોદી 11 ઓક્ટોબરે ઉજ્જૈનની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે મહાકાલ મંદિરના ‘મહાકાલ લોક’નું ઉદ્ઘાટન કરવા ઉજ્જૈનની મુલાકાત લેશે. તેઓ ત્યાં એક જનસભાને પણ સંબોધશે. પીએમ મોદીની ઉજ્જૈન મુલાકાત લગભગ ત્રણ કલાકની હોવાનું કહેવાય છે. એવી પણ ચર્ચા છે કે પરત ફરતી વખતે પીએમ મોદી રોડ માર્ગે ઈન્દોર જશે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે અંધારું હોવા છતાં મોદી હેલિકોપ્ટર દ્વારા જ ઉજ્જૈનથી ઈન્દોરનો રૂટ નક્કી કરી શકે છે. સેના પાસે નાઈટ ફ્લાઈંગ હેલિકોપ્ટર છે.
આ પણ વાંચો: સોમનાથ, અંબાજી બાદ મોઢેરા સૂર્યમંદિરમાં પણ શરૂ થશે લાઈટ એન્ડ સાઉન્ડ શો, PM મોદીના હસ્તે 9મીએ લોકાર્પણ