વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આજે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે તેમણે સવારથી બપોર સુધી વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતા ચોથા અને અંતિમ ટેસ્ટ મેચના પ્રારંભે હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ ફરી રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે સરકાર અને સંગઠન સાથે લાંબી બેઠક યોજી હતી અને ત્યાંથી તેઓ ફરી દિલ્હી જવા માટે રવાના થયા હતા.
બેઠકમાં શું ચર્ચાઓ થઈ હોય શકે છે ?
વડાપ્રધાન મોદીએ રાજભવન ખાતે સરકાર અને સંગઠન સાથે મેરેથોન બેઠક કરી હતી. આ બેઠકમાં આગામી 2024 લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના દરેક વિકાસના કામો લોકો સુધી પહોંચાડવા તેમજ સરકારે કરેલા કામો લોકોને જણાવવા સુચના આપી છે. આ ઉપરાંત પીએમ મોદીએ રાજ્યમાં ચાલી રહેલા વર્તમાન સમસ્યાઓ અંગે પણ માહિતી મેળવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વધુમાં રાજ્ય સરકારે તાજેતરમાં વિધાનસભાની પસાર કરેલા કેટલાક બિલ કે જેનાથી આવનારા દિવસોમાં યુવાધન નને ફાયદો થવાનો છે તે અંગે પણ ચર્ચા અને પરામર્શ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મંત્રીમંડળમાં વિસ્તરણ અને બોર્ડ-નિગમ અંગે માર્ગદર્શન અપાયું
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવી સરકાર રચાયા બાદ હવે આવનારા દિવસોમાં મંત્રીઓના ભારણ ઓછા કરવા અને નવા યુવા ધારાસભ્યોને તક આપવા માટે મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ નવા મંત્રીમંડળમાં સ્વચ્છ છબી ધરાવતા અને યુવા નેતાઓને સ્થાન આપવા માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત બોર્ડ નિગમમાં પણ નવા સભ્યોની નિમણુંકને લઈ આદેશ આપ્યા છે.