વડાપ્રધાન મોદી એક્શન મોડમાં, એક જ દિવસમાં સાત બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરશે
નવી દિલ્હી, 2 જૂન, 2024: ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તમામ નેતાઓ અને રાજકીય પક્ષોની સાથે સાથે દેશના નાગરિકો પણ ચોથી જૂનની રાહ જોઈ રહ્યા છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરામ કરવાના મૂડમાં લાગતા નથી. તેમની લોકસભાની ચૂંટણીની વ્યસ્તતા હવે પૂરી થઈ ગઈ છે. તેઓ કન્યાકુમારીમાં વિવેકાનંદ ખડક પર આધ્યાત્મિક વિરામમાંથી પાછા આવી ગયા છે અને હવે કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. તેઓ આજે એટલે કે રવિવાર, 2 જૂનના રોજ એક પછી એક 7 બેઠકો કરશે અને દેશની વિવિધ રાજકીય – સામાજિક સ્થિતિનો તાગ મેળવશે. એવું માનવામાં આવે છે કે આ બેઠકો પૈકી એકમાં પીએમ મોદી તેમના આગામી 100 દિવસના એજન્ડામાં અત્યાર સુધીની તૈયારીઓની સમીક્ષા કરશે. વડાપ્રધાન આ ઉપરાંત ચક્રવાત રેમાલથી થયેલા વિનાશ અને ગરમીના મોજાથી સર્જાયેલી પરિસ્થિતિની પણ સમીક્ષા કરવાના છે. ચક્રવાત રેમાલે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વ્યાપક પ્રમાણમાં જાન-માલનું નુકસાન કર્યું છે. તો બીજી તરફ દેશના વિવિધ ભાગમાં ગરમીના મોજાને કારણે ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.
Watch: Prime Minister Narendra Modi holds a meeting to review the post-cyclone situation, especially in northeastern states. pic.twitter.com/ILKOyYA8wc
— IANS (@ians_india) June 2, 2024
લોકસભા ચૂંટણી-2024નાં પરિણામ જાહેર થાય તે પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં આવી ગયા છે. વડાપ્રધાન એક વિશેષ બેઠકમાં તમામ સંબંધિત લોકો સાથે સાથે આ મુદ્દે ચર્ચા કરશે એટલું જ નહીં પરંતુ આ દિશામાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરશે. સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યા બાદ સરકાર પોતાના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં કયા મુદ્દાઓ પર ધ્યાન આપશે તેની તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પીએમ મોદી પોતે આ અંગે વિચારમંથન કરશે. જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામેલ થશે. આ સાથે, હીટ વેવની સ્થિતિ અને લોકોને રાહત આપવા માટે લેવામાં આવેલા પગલાંની પણ સમીક્ષા કરશે. પીએમ મોદી પાંચમી જૂને યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારીઓની પણ સમીક્ષા કરશે.
ગઈકાલે પહેલી જૂને સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલનાં પરિણામ જાહેર થયાં છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં મોદી સરકાર પુનઃ સત્તા પ્રાપ્ત કરશે તેવી આગાહી કરવામાં આવી છે. તમામ એક્ઝિટ પોલમાં બેઠકોના અનુમાન અલગ અલગ છે પરંતુ લગભગ દરેક મીડિયા સંસ્થાના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતૃત્વમાં NDA સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. મતગણતરી 4 જૂનને મંગળવારે થવાની છે ત્યારે તમામ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચોઃ માત્ર આવું થશે તો જ “ફિર એક બાર મોદી સરકાર!” નહીં તો શું થશે?