પઠાણ મુદ્દે વડાપ્રધાન મોદીએ ભાજપ નેતાઓને આપવી પડી સલાહ, જાણો શું કહ્યું


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દરમિયાન કેટલીક મહત્ત્વની વાતો જણાવી છે. છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ ફિલ્મોને લઇને ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડ વચ્ચે વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તેનાથી દૂર રહેવાની સલાહ આપી છે.
તેમણે ભાજપના નેતાઓને સલાહ આપી છે કે, તેઓ ફિલ્મો પર કોઈપણ પ્રકારની ‘બિનજરૂરી ટિપ્પણીઓ’ કરવાથી દૂર રહે. PMએ કહ્યુ કે કેટલાક લોકો ફિલ્મ પર નિવેદન આપે છે, જે આખો દિવસ ટીવી અને મીડિયા પર ચાલે છે. પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ આવા બિનજરૂરી નિવેદનો કરવાથી બચવું જોઈએ. આવા બિનજરૂરી નિવેદનોના કારણે સર્જાતા વિવાદોથી પક્ષનો વિકાસ એજન્ડા એક બાજુ ધકેલાઇ શકે છે.
પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થવાની છે. વડાપ્રધાન મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને આ સલાહ એવા સમયે આપી છે, જ્યારે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણનો બહિષ્કાર કરવાની માંગણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ વર્ષની પહેલી શનૈશ્વરી અમાસ કેમ છે ખાસ? શનિદેવને પ્રસન્ન કેવી રીતે કરશો?