મોરબી જેવી બ્રિજ દુર્ઘટના નિવારવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ કર્યુ જબરજસ્ત કામ
થોડા સમય પહેલા મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પુલ તુટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં 134 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ દુર્ઘટનાના સમાચાર થોડા જ સમયમાં સમગ્ર દેશમાં ફેલાઇ ગયા હતા. ઘણાં દિવસો સુધી આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર ચાલતો રહ્યો. લોકોએ જીવ ગુમાવ્યો તેની પર રાજકારણ રમાયું. ચુંટણીઓ નજીક હતી તેથી આ મુદ્દો વધુ ચગ્યો. બ્રિજ દુર્ઘટના તો રાજકીય મુદ્દો બની ગઇ.
મોરબીના મચ્છુ નદી પર ઝુલતા પુલ પર બનેલી દુર્ઘટનાથી પ્રેરિત થઇને સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કુલના વિદ્યાર્થીઓએ રાજકારણીઓની વિચારધારા કરતા ઉપર ઉઠીને આવી દુર્ઘટના ફરી ન બને તે માટે એક મોડલ બનાવ્યુ. આ મોડલ પર બ્રિજની દુર્ઘટના બનાવવામાં આવે તો કદાચ આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
અહીં નગર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ધુમકેતુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મોરબી જેવી દુર્ઘટના રોકવા માટે સેન્સરથી ચાલતુ એક મોડલ બનાવ્યુ. આ વિદ્યાર્થીઓએ કહ્યુ કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય તે જરૂરી છે. આ મોડલ સાથે સેન્સર જોડી દેવામાં આવ્યુ છે. આ બ્રિજ પરનો લોડ નક્કી કરવામાં આવ્યો છે. જો તેનાથી વધુ વજન થાય તો સેન્સર થકી એલાર્મ વાગે છે અને લાઇટ થવા લાગે છે. વિદ્યાર્થીઓએ બનાવેલુ આ મોડલ સમિતિમાં ચર્ચાનો વિષય બન્યો છે. સમિતિના અધિકારીઓ તેના ખુબ વખાણ કરી રહ્યા છે.