ખેડા જિલ્લાનું ગૌરવઃ ઉતરસંડા ગામની રાષ્ટ્રીય સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023માં પસંદગી
ખેડા જિલ્લાનું ઉત્તરસંડા ગામે વિકાસના વિવિધ આયામોમાં નક્કર કામગીરી દ્વારા તાજેતરમાં જ આદર્શ ગામ બન્યું છે. તાજેતરમાં ગુજરાતના 16 જિલ્લાઓના 35 સ્માર્ટ વિલેજો પૈકી એક સ્માર્ટ વિલેજ તરીકે જાહેર થયેલ ઉત્તરસંડા ગામે ફરી એક વાર વિકાસના વિવિધ માપદંડો પૈકી એક સ્વચ્છતામાં સિદ્ધિ હાંસિલ કરી છે. રાષ્ટ્રીય સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 પ્રતિયોગીતામાં ગુજરાતની રાજ્યની 19મોડેલ ગ્રામ પંચાયતો પૈકી ઉત્તરસંડા ગામની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત 15 ઓગસ્ટ સુધીમાં કેન્દ્રની ટીમ ઉત્તરસંડા ગામની મુલાકાત લઈ સ્વચ્છતા મૂલ્યાંકન કરશે.
ઉત્તરસંડામાં 23 હજાર છોડનું વાવેતર
ગ્રામજનોના જીવનધોરણને સુદ્રઢ બનાવવા હેતુ ઉત્તરસંડા ગામમાં સ્વચ્છતા, પર્યાવરણ સંવર્ધન અને વોટર ટ્રીટમેન્ટ સહિતના વિવિધ માપદંડોમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. ગામની ભવિષ્યની પેઢીના તંદુરસ્ત સ્વાસ્થ્યની જાળવણી કરવા હેતુ તાજેતરમાં જ ઉત્તરસંડા ગ્રામ પંચાયત દ્વારા મનરેગા હેઠળ ગામની 14 વિઘા પડતર જમીનને લેવલ કરાવીને તેમાં 1૦,૦૦૦ નિલગીરી અને 13,000 અરડુસી એમ કુલ 23,000 છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.
ગ્રામ પંચાયતમાં 30 જેટલા સફાઈકર્મી તૈનાત
આ તમામ છોડની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેના ફરતે તાર ફેન્સીંગ કરવામાં આવ્યું છે. કચરા નિકાલ માટે ઉત્તરસંડા ગામમાં સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં નિયમિતપણે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવે છે. ખાસ કરીને ગામનાં દાતાઓ દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન કરવા પંચાયતને એક ટ્રેક્ટર અને બે છોટા હાથી ટ્રિપરની ફાળવણી કરાઈ છે. જેથી ગામમાં દૈનિક ધોરણે ઘરે ઘરેથી કચરાનું કલેક્શન અને ગામની તમામ સામુહિક જગ્યાઓ ઉપર સાફ સફાઈ કરવામાં આવે છે. કચરાને ડમ્પીંગ સાઈટ ઉપર સેગ્રીગેશન શેડમાં અલગ કરી, કચરાનું વિભાજન કરાય છે. આ કામગીરી કરવા ગ્રામ પંચાયતમાં 30 જેટલા સફાઈકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. જે ગામની સફાઈ કરી ગામને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
ગટરની સુવિધમાં ગામ અવ્વલ
ઉતરસંડા ગામમાં 100% કુટુંબોને ગટર લાઇનની સુવિધા ધરાવે છે. દૂષિત પાણીના શુદ્ધિકરણ માટે નડિયાદ તાલુકાનો સૌ પ્રથમ ગ્રે વોટર પ્લાન્ટ પણ ઉત્તરસંડામાં નાખવામાં આવ્યો છે. 8 લાખના ખર્ચે નિર્માણ પામેલા આ ગ્રે વોટર પ્લાન્ટમાં ગામમાંથી આવતા ગટરના પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ શુદ્ધ થયેલ પાણીને ફરીથી ખેતી માટે, પશુઓ અને વૃક્ષો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરાંત ગ્રે વોટર પ્લાન્ટની પાસે જ કચરામાંથી પ્લાસ્ટીક છુટું પાડવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) અંતર્ગત રૂ. 85,૦૦૦ ના ખર્ચે એક સેગ્રીગેશન શેડ પણ કાર્યરત છે. ગામ લોકોને શુદ્ધ પાણી આપવા માટે નિયમિત રીતે પીવાના પાણીને ઓટો પ્લાન્ટ વડે કલોરિફિકેશન કરવામાં આવે છે. તથા આગામી સમયમાં સોલર સિસ્ટમથી સમગ્ર ગામમાં વિજળી આપવાનુ પણ આયોજન છે.
ગામમાં 100% શૌચાલયોનો ઉપયોગ
ઉપરાંત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઉત્તરસંડા ગ્રામ પંચાયતને ઓડીએફ પ્લસ (Open Defecation Free +) આદર્શ ગ્રામ પંચાયત તરીકે પંચાયતે ઘન અને પ્રવાહી કચરાનો કાયમી નિકાલ કરી સાર્વત્રિક સ્વચ્છતા સાથે ખુલ્લામાં શૌચમુક્તિના કામ આદરવામાં આવ્યા છે. જેના કારણે ખેડા જિલ્લામાં પ્રથમવાર સ્વચ્છ ભારત મિશન અંર્તગત ગુજરાત સરકારે ઉત્તરસંડાને આદર્શ ગ્રામ પંચાયત તરીકેની પસંદગી કરી કેન્દ્ર સરકારમાં મોકલેલ છે. ઉત્તરસંડા ઘરદીઠ શૌચાલય ધરાવતું ગામ હોવા સાથે ૩ સામૂહિક શૌચાલય પણ છે. જેના કારણે ગામમાં 100% શૌચાલયોનો ઉપયોગ થઈ રહ્યો છે.
પાણીના સંચયની સુવિધાથી સજ્જ
પાણીના સંચય માટે ગામમાં વિવિધ સ્થળોએ શોક પીટ તથા આંગણવાડી કેન્દ્રમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંતર્ગત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તથા આગામી સમયમાં સોલર સિસ્ટમથી સમગ્ર ગામમાં વિજળી આપવાનું પણ આયોજન છે. આમ સ્વચ્છતાની સાથે સાથે ઉત્તરસંડા પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન થકી ગ્રીન ગ્રોથનું પણ ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
બાળોઓને મફતમાં સેનિટરી કીટનું પણ વિતરણ
નવી પેઢીના બાળકોમાં સ્વચ્છતાના મહત્વને લઈ નાનપણથી જ સભાનતા કેળવાય એ હેતુથી ઉત્તરસંડાની આઈ. જે. પટેલ હાઈસ્કુલમાં સેનિટરી ડિસ્પોઝબલ મશીનની પણ વ્યવસ્થા છે અને ગ્રામ પંચાયત દ્વારા શાળાની બાળોઓને મફતમાં સેનિટરી કીટનું પણ વિતરણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : ‘ગાડી તો ઠોકાય હવે, બહુ ટેન્શન નહીં લેવાનું’..પ્રજ્ઞેશ પટેલના આ શબ્દો સાંભળી તમારું પણ લોહી ઉકળી જશે
ઉત્તરસંડા અંગે સરપંચ કરી આ વાત!
ઉત્તરસંડા ગામમાં કરવામાં આવતા કાર્યોની વાત કરતા ગ્રામ સરપંચ ઈશિત પટેલ જણાવે છે કે સરકાર અને જનભાગીદારીના સુમેળ સહયોગથી રોડ, રસ્તા, પાણી અને કચરો નિકાલ જેવી માળખાકીય સવલતો સારી બની છે. નલ સે જલ યોજના અંતર્ગત તમામ ઘરોમાં નિયમિત પાણી પહોંચાડવામાં આવે છે. મનરેગા હેઠળ તળાવ ઉંડુ કરાવવાની કામગીરી ઉપરાંત આ ગામના દાતાઓના સહયોગથી બે તળાવના બ્યુટીફિકેશન કરવામાં આવ્યા છે. નવા જાહેર શૌચાલયો બનાવી જાહેર જનતા માટે વપરાશમાં મુકેલા છે તથા પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની દિશામાં નવા બનાવેલ શાક માર્કેટમાં લોકોને પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાનો સંદેશો આપવા માટે 15 દિવસ સુધી ગ્રામ પંચાયત દ્વારા બાયો – ડિગ્રેડેબલ બેગનું વિતરણ કર્યુ હોવાનું શ્રી ઈશિતભાઈ જણાવે છે. તથા ઉત્તરસંડા ગ્રામ પંચાયતને પણ સોલર સિસ્ટમ દ્વારા કાર્યરત કરવામાં આવી છે.
કેન્દ્રની નેશનલ ટીમ કરશે સર્વેક્ષણ
ઉલ્લેખનીય છે કે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 અંતર્ગત કેન્દ્રમાંથી નેશનલ ટીમ પસંદગી પામેલા ગામની મુલાકાત લઈ પંચાયત, શાળા, આંગણવાડી, શૌચાલય, આરોગ્ય કેન્દ્ર જેવા જાહેર સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈ મુલ્યાંકન કરવામાં આવશે. સાથે સાથે કચરા નિકાલની વ્યવસ્થાનું નિરિક્ષણ કરી ગ્રામજનો પાસેથી સ્વચ્છતાની કામગીરીના પ્રતિભાવો પણ લેવામાં આવશે.
આ પણ વાંચો : માતર તાલુકાની મહિલાઓએ એવું કામ કર્યું કે બધાં કરે છે વાહ વાહી! વાંચી પુરુષો પણ શરમાશે, જાણો મહિલાઓની કહાની!