છેલ્લા ઘણા સમયથી લોકો મોંઘવારીથી અકળાયા હતા, ખાસ કરીને ઘરને મેનેજ કરતી ગૃહિણીઓ દાળ, શાક, તેલના ભાવ વધારાથી હેરાન પરેશાન થતી હતી, પરંતુ હવે શિયાળો ગૃહિણીઓ માટે સારા સમાચાર લઇને આવ્યો છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ શહેરના યાર્ડમાં આવતાં શાકભાજીની આવકમાં બમણો વધારો થયો છે, જેથી શાકભાજીના ભાવ ૮૦ ટકા સુધી ગગડી ગયા છે. મોંઘાં શાકભાજીના કારણે લાંબા સમયથી મુશ્કેલી વેઠતી ગૃહિણીઓએ આખરે હાશકારો અનુભવ્યો છે. ફૂલગુલાબી ઠંડીની શરૂઆત સાથે શાકમાર્કેટમાં લીલાં શાકભાજીની પણ આવક વધી છે.
ગૃહિણીઓનું બગડતુ બજેટ અટક્યુ
શાકભાજીના ભાવ કાબૂમાં આવતાં ગૃહિણીઓનાં બજેટમાં આર્થિક રાહત મળી રહી છે. એક માસ પહેલાં રૂપિયા ર૦માં રપ૦ ગ્રામ મળતાં શાકભાજી હાલમાં રૂપિયા ર૦માં કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. ફ્લાવર, કોબીજ, દૂધી વગેરે નંગદીઠ રૂ. પથી ૧૦માં મળી રહ્યાં છે. કેટલાક મોલ કે મોટા બજારોમાં તો કોબી ફ્લાવર 10રૂપિયે કિલો પણ મળે છે.
આગામી બે મહિના રાહત રહેશે
શિયાળુ શાકભાજીની આવક થવાના કારણે ભાવમાં ઘટાડો આવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ ખેડૂતો હવે વહેલી સવારથી શાકભાજી લઈને આવે છે. જો કોઈ કુદરતી આફત ન આવે તો શાકભાજીના ભાવ આવનારા બે મહિના સુધી ઓછા રહેશે અને લોકોને સસ્તા ભાવે તાજાં શાકભાજી મળી રહેશે.
સ્થાનિક આવક થતા ભાવ ઘટ્યા
અત્યાર સુધી ટામેટાં, રીંગણ, મરચાં વગેરે બીજા રાજ્યમાંથી મંગાવવામાં આવતાં હતાં, પરંતુ હવે સ્થાનિક આવક વધી છે. બટાકા, ડુંગળી, કોથમીર, લીંબુ, ટામેટાં, વટાણા, વાલોળ સહિત શાકભાજી સ્થાનિક માર્કેટમાં થઇ રહ્યા છે. હવે શાકભાજી સસ્તાં થતાં જ દર રવિવારે ઠેર ઠેર ઊંધિયાનું વેચાણ થઇ રહ્યુ છે. ચોમાસાની સિઝનમાં સારા વરસાદના કારણે શાકભાજીની વાવણી સારી થઈ છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ શાકભાજીનો ઉતાર વધી ગયો છે, જેથી સ્થાનિક બજારમાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. શિયાળુ શાકભાજીના કારણે યાર્ડમાં પણ ભાવ કાબૂમાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર નિવેદન આપતા વિવાદ સર્જાયો, જાણો શું કહ્યું