ટામેટાંના ભાવ વધતાં સુરતના સૌથી ફેમસ ડુમસ ટામેટાં ભજીયાંના ભાવ આસમાને
ચોમાસાની સીઝન ચાલું થઈ ત્યારથી જ ટામેટાંના ભાવે ગૃહેણીઓના બજેટ હલાવી મુક્યા છે. એવામાં ચોમાસાની સીઝનમાં ગુજરાતીઓ સૌથી વધારે ભજીયાં ખાતા હોય છે. જ્યારે વાત જો સુરતની કરીએ તો સુરતમાં આવેલ ડુમસ ટામેટાં ભજીયાં લોકોની પહેલી પસંદ હતી. સુરતના ડુમ્મસ કિનારે ગુજરાતનાં અલગ-અલગ શહેરોથી આવનારા લોકો ખાસ ટામેટાંનાં ભજીયાં ખાવાનું ક્યારેય ન ભુલતાં પરંતુ હવે થયું એવું કે ટામેટાંના ભાવ વધતાં ટામેટાંના ભજીયાંના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
સુરતનાં પ્રખ્યાત ટામેટાંનાં ભજીયાં મોંઘાં થયા:
ટામેટાં ખરીદવા એ સામાન્ય વર્ગના લોકો માટે હવે એક સપના જેવું બની ગયું છે કારણ કે, ટામેટાંની કિંમત 150થી લઈને 200 રૂપિયા સુધી નોંધાઈ રહી છે ત્યારે ગુજરાતમાં ટામેટાંનાં ભજીયાંના પ્રેમીઓ પણ ઘણા છે. સમગ્ર ગુજરાતભરમાં સૌથી વધુ ફેમસ ટામેટાના ભજીયા સુરતમાં વેચાય છે. સુરતના ડુમ્મસ બીચ કિનારે ભજીયાના સ્ટોલ પર લોકો અલગ-અલગ શહેરોથી આવીને ટામેટાંનાં ભજીયાંનો આનંદ માણતા હોય છે પરંતુ, હવે ટામેટાંનાં ભજીયાંની કિંમત પણ સાતમા આસમાને છે કારણ કે, છેલ્લા ઘણા સમયથી ટામેટાંની કિંમત વધી છે, તેની સીધી અસર હવે ટામેટાંનાં ભજીયાં પર પણ જોવા મળી રહી છે.
300 રૂપિયામાં વેચાતાં ભજીયાંના 500 રૂપિયા થયા
ડુમ્મસમાં દરિયાકિનારે ટામેટાંનાં ભજીયાંનું વેચાણ કરનાર મનોહર લશ્કરીએ જણાવ્યું હતું કે પહેલાં 30થી 40 રૂપિયા કિલો ટામેટાં મળતાં હતાં. આજે 150-180 અને 200 રૂપિયા કિલો ટામેટાં મળી રહ્યાં છે, જેને લઇ અમારે ના છુટકે ટામેટાંનાં ભજીયાંનો ભાવ વધારવો પડ્યો છે. ફક્ત એટલું જ નહીં ટામેટાં ભજીયાંની અંદર વપરાતી ચટણીની પણ ખાસ વિશેષતા છે. તેમાં વપરાતા આદુ, લસણ, મરચાં પણ અત્યારે ખૂબ જ મોંઘા થઈ ગયા છે, જેને લઇને 300 રૂપિયા કિલો સામાન્ય સંજોગોમાં મળતા ટામેટાનાં ભજીયાં આજે અમારે રુ. 500 કિલો વેચવા પડી રહ્યા છે.
આ પણ વાંચો: સંભાળજો! રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ