એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) કહેવાતા એર ફ્યુઅલની કિંમતમાં ફરી એકવાર વધારો થયો છે. આજે ATFની કિંમતમાં 16.3 ટકાનો વધારો થયો છે. તેમાં 1.41 રૂપિયા પ્રતિ કિલોલીટર એટલે કે 123.03 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. ATFના ભાવમાં એક સાથે 16.3 ટકાના વધારો અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે છે. આજથી દિલ્હીમાં ATFના દર વધીને 1,41,232.87 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયા છે અને આ દિલ્હી માટે મોટો વધારો છે.
એરલાઈન્સના કુલ ખર્ચમાં ATFનો હિસ્સો લગભગ 40 ટકા છે અને તેના વધારા સાથે એરલાઈન્સનો ખર્ચ પણ વધે છે. જેટ ફ્યુઅલ અથવા ATF આ વર્ષે તેના ઓલ-ટાઇમ રેકોર્ડ સ્તરે આવી ગયું છે. 1 જૂન સિવાય, વર્ષ 2022ના દરેક પખવાડિયા (15મા દિવસે)માં જેટ ફ્યુઅલમાં વધારો થયો છે.
જાણો મેટ્રો સિટીમાં ATFના ભાવમાં વધીને કયાં પહોંચી ગયા
દિલ્હી – રૂ. 1,41,232.87 પ્રતિ કિલોલીટર
કોલકાતા – રૂ. 1,46,322.23 પ્રતિ કિલોલીટર
મુંબઈ – રૂ. 1,40,092.74 પ્રતિ કિલોલીટર
ચેન્નાઈ – રૂ. 1,46,215.85 પ્રતિ કિલોલીટર
1 જૂનના રોજ ATFના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો
1 જૂનના રોજ ATFની કિંમતોમાં લગભગ 1.3 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એરલાઇન કંપનીઓને થોડી રાહત મળી હતી, પરંતુ આજે ATFની કિંમતમાં જોરદાર વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં એટલે કે વર્ષ 2022માં ATFની કિંમતોમાં કુલ 91 ટકાનો વધારો થયો છે.
સ્પાઇસજેટ ટિકિટના ભાવમાં વધારો કરવાના સંકેત આપ્યા
લો કોસ્ટ ડોમેસ્ટિક એરલાઈન સ્પાઈસજેટે ATFના ભાવમાં વધારા બાદ તે ટૂંક સમયમાં તેની ફ્લાઈટ્સ માટે ટિકિટમાં વધારો કરી શકે છે તેવા સંકેત આપ્યા છે. સ્પાઇસજેટના મેનેજમેન્ટે એક ખાનગી બિઝનેસ ચેનલ પર આ સંકેત આપ્યા છે. જો આમ થશે તો મુસાફરો માટે હવાઈ મુસાફરી મોંઘી થઈ જશે. એટલું જ નહીં અન્ય એરલાઈન્સ પણ તેમની ફ્લાઈટ ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે.