બેટ દ્વારકામાં સરકારી જમીન ઉપર થયેલું દબાણ દૂર કરાયું, PFI કનેક્શન નકારતા પોલીસવડા
દેવભૂમિ દ્વારકાના પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા ટાપુ ઉપર કેટલાક વિસ્તારોમાં સરકારી જમીન ઉપર વ્યાપક દબાણો થયા હોવાની બાબતના અનુસંધાને અહીંના પોલીસ તંત્ર સહિતના સરકારી તંત્ર દ્વારા લાંબી પ્રક્રિયા બાદ આજરોજ સવારથી ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ એસપીની હાજરીમાં સ્થાનિક પોલીસ, જિલ્લા પોલીસ, એસઆરપી જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરી હાલ અંતિમ તબક્કામાં હોય અત્યારસુધી કોઈ અનિચ્છનીય ઘટના ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દરમ્યાન આ બાબતને પીએફઆઈ કનેક્શન સાથે જોડવામાં આવતી હતી પરંતુ જિલ્લા પોલીસ વડાએ પોતાના નિવેદનમાં આ બાબતને નકારી કાઢી હતી.
આ પણ વાંચો : કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદઃ અમદાવાદ શહેર પ્રમુખનું રાજીનામુ
રેન્જ આઈજીના વડપણ હેઠળ સમગ્ર ઓપરેશન થયું
સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર પંથકમાં અતિ ચર્ચાસ્પદ અને ઉત્તેજનાસભર બની ગયેલા આ પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ ભારતના છેવાડાના વિસ્તાર એવા બેટ દ્વારકામાં કેટલાક સ્થળોએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ ખડકી દેવામાં આવ્યા છે. જેના અનુસંધાને આ વિસ્તારની આંતરિક તથા દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સવારથી આવા દબાણ હટાવવા માટેનું ઓપરેશન ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ રેન્જ આઈ.જી.ના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ માટે છેલ્લા કેટલાક દિવસ થયા ઊંડાણપૂર્વકનો અભ્યાસ તથા જરૂરી કામગીરી કરી, આજરોજ સવારથી બેટ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ પૂર્વે ગત સાંજથી જ સમગ્ર વિસ્તારમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, સહિતનો વિશાળ પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો.
સ્થાનિક અને જિલ્લાના 1000થી વધુ પોલીસકર્મીઓ મુકાયા
આજે વહેલી સવારથી અહીં જિલ્લાના બંને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મામલતદાર, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ, પીજીવીસીએલ, સર્કલ અધિકારી, રેવન્યુ અધિકારી, ઉપરાંત સ્થાનિક નગરપાલિકાના સ્ટાફને બેટ દ્વારકામાં ફરજ સોંપી દેવામાં આવી હતી અને અગાઉ આપવામાં આવેલી નોટિસ મુજબ સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા વંડા તથા દુકાનો પર ખાસ મશીનો વડે ડિમોલિશન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઓપરેશન મેગા ડિમોલિશન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આશરે 1000 જેટલા પોલીસ સ્ટાફને અશ્રુ સેલ, હથિયાર તથા લાકડી સાથે સુરક્ષા બંદોબસ્ત પર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈમરજન્સી સિવાય ફેરીબોટ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી હોવા ઉપરાંત સ્થાનિક લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર કામગીરી અતિગુપ્તતા તેમજ સાવચેતીપૂર્વક હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બિન સત્તાવાર રીતે જાણવા મળતી વિગત મુજબ કેટલાક શખ્સો સામે અટકાયતી પગલાં પણ હાથ ધરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
દેવભૂમિ દ્રારકા : બેટ દ્વારકા ટાપુ ઉપર થયેલી કાર્યવાહીનું PFI કનેક્શન નકારતા પોલીસવડા
એસપી નિતેશ પાંડેય દ્વારા આ કાર્યવાહી ગેરકાયદે દબાણ દૂર કરવા થયાનું નિવેદન, કેટલાક અવારાતત્વો દ્વારા દંગો કરવાનો ઈરાદો હોય તેમની અટક કરવામાં આવી હોવાનું કથન#Dwarka #PFI #Humdekhengenews pic.twitter.com/8NjdP9E8dD
— Hum Dekhenge News (@humdekhengenews) October 1, 2022
માત્ર કોમર્શિયલ દબાણો જ દૂર કરવામાં આવ્યા
દરમ્યાન દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે, આજે કોમર્શિયલ દબાણો હટાવવામાં આવશે. ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તથા ઓપરેશન દરમિયાન આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સમગ્ર યાત્રાધામ માં તથા સ્ટ્રેટેજીક પોઈન્ટ પર સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈને ડીટેઈન કરવામાં આવ્યા છે કે કેમ ? એ પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધ્યાનમાં રાખી, કેટલાંક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દ્વારકા પોલીસ, જિલ્લા પોલીસ ઉપરાંત એસઆરપી તથા અન્ય જિલ્લાઓમાંથી આ ઓપરેશન માટે પોલીસદળ લાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સ્થળે જે પ્રકારે મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેનાં પરથી સમજાઈ રહ્યું છે કે, આ ઓપરેશન લાંબુ ચાલશે અને રાજ્ય સરકારમાંથી પણ કડક અને વ્યાપક કામગીરી માટે લીલી ઝંડી મળી હોય શકે છે. કલેકટર તથા એસપી સહિતનાં અધિકારીઓ સમગ્ર ઓપરેશનને માર્ગદર્શન અને સૂચનાઓ આપી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.