ચીખલીમાં બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતા કાર હોટેલમાં ઘૂસી ગઈ, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
નવસારી, 11 ડિસેમ્બર 2023, (Video Viral)ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ બેદરકારી પૂર્વક વાહનો ચલાવનારા અવનવા અકસ્માતો સર્જી રહ્યાં છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક હોટેલમાં અચાનક કાર ઘૂસી જતાં ગ્રાહકોમાં નાસભાગ મચી જવા પામી હતી.(Car enter in hotel) કારના ચાલકે બ્રેક દબાવવાની જગ્યાએ એક્સિલેટર દબાવતાં કાર હોટલમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
બ્રેક મારવાના સ્થાને ભૂલથી એક્સિલેટર દબાવી દીધુ
પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારીના ચીખલી પાસે સ્થિત આલ્ફા હોટલમાં ગ્રાહકો ભોજન કરી રહ્યાં હતાં. આ દરમિયાન અચાનક એક કાર ધડાકાભેર હોટલમાં ઘુસી ગઇ હતી. સુરતથી મોહમ્મદ જમીર નામનો યુવક અન્ય 4 મિત્રો સાથે કાર લઇને હોટલ આલ્ફામાં જમવા માટે આવ્યો હતો. કાર હોટલ પાસે આવતા જ બ્રેક મારવાના સ્થાને ભૂલથી એક્સિલેટર દબાવી દીધુ હતુ જેને કારણે કાર સીધી હોટલની અંદર ઘુસી ગઇ હતી.
કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી
આ દરમિયાન હોટલમાં ભોજન કરતા લોકો કારની ટક્કરને કારણે દબાઇ ગયા હતા અને ત્રણ લોકોને ઇજા થઇ હતી. બનાવની જાણ ચીખલી પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.