રાષ્ટ્રપતિની ચૂંટણીઃ વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ ભર્યું નોમિનેશન
નવી દિલ્હી, વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ આજે 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. સિન્હાના નામાંકન ભરતી વખતે શરદ પવાર, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓ હાજર હતા. આ પ્રસંગે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા પણ અન્ય વિપક્ષી નેતાઓ સાથે હાજર હતા. 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ સોમવારે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને નામાંકન પત્રોના ચાર સેટ સોંપ્યા. પીસી મોદી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, ડીએમકેના નેતા એ રાજા, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓ હાજર હતા.વિપક્ષી દળોએ 21મી જૂને સિંહાને પોતાના સામાન્ય ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગયા અઠવાડિયે શુક્રવારે ઉમેદવારી નોંધાવી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાવાની છે. મતગણતરી 21 જુલાઈના રોજ થશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.