Diwali 2023ટોપ ન્યૂઝટ્રેન્ડિંગદિવાળીનેશનલ

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભેચ્છા

  • હિંદૂ ધર્મનો સૌથી મોટો તહેવાર અને પ્રકાશના પર્વ એવા દિવાળીની આજે ઉજવણી
  • ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને UP CM યોગી આદિત્યનાથે દિવાળીની પાઠવી શુભકામના 
  • દિવાળીએ અંધકાર પર પ્રકાશની અને અન્યાય પર ન્યાયની જીતના ચિન્હ તરીકે ઉજવાય છે : રાષ્ટ્રપતિ

પ્રકાશનો મહાપર્વ એટલે દિવાળી આજે છે. હિંદૂ ધર્મમાં સૌથી મોટો તહેવાર દિવાળી છે. દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દિવાળીના આ પાવન પર્વ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતનાઓ દ્વારા દેશવાસીઓને શુભકામના પાઠવવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, “દીપાવલી આનંદ અને ખુશીનો તહેવાર છે. તે અંધકાર પર પ્રકાશની જીત, અનિષ્ટ પર સારા અને અન્યાય પર ન્યાયની જીતના ચિન્હ તરીકે ઉજવવામાં આવે છે.”

વિવિધ ધર્મ અને આસ્થાના લોકો દિવાળીની કરે છે ઉજવણી : રાષ્ટ્રપતિ

 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દિવાળીના પર્વ નિમિતે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, “ દીપાવલીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ નાગરિકોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. દીપાવલી આનંદ અને ખુશીનો તહેવાર છે. તે અંધકાર પર પ્રકાશની જીત, અનિષ્ટ પર સારા અને અન્યાય પર ન્યાયની જીતના ચિન્હ તરીકે ઉજવવામાં આવે છે. વિવિધ ધર્મ અને આસ્થાના લોકો આ તહેવારની ઉજવણી કરે છે અને પ્રેમ, ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ ફેલાવે છે. આ તહેવાર દયા, સકારાત્મકતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. દીપાવલીનો તહેવાર આપણા અંતરાત્માને પ્રકાશિત કરે છે અને આપણને માનવતાના કલ્યાણ માટે કામ કરવાની પ્રેરણા આપે છે.”

વધુમાં લખ્યું કે, “એક દીવો બીજા ઘણાને પ્રગટાવી શકે છે. તે જ રીતે, આપણે ગરીબ અને જરૂરિયાતમંદોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકીએ છીએ અને તેમની સાથે આપણી ખુશીઓ વહેંચી શકીએ છીએ. ચાલો આપણે સૌ પ્રકાશના તહેવારને સુરક્ષિત રીતે ઉજવીએ અને પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન આપીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિજ્ઞા લઈએ.”

ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડે પાઠવી દિવાળીની શુભકામના

 

ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડે દિવાળીની શુભકામના પાઠવતા જણાવ્યું કે, “ પ્રકાશના તહેવાર દીપાવલીના શુભ અને આનંદી અવસર પર હાર્દિક શુભેચ્છાઓ. દીપાવલી એક પ્રામાણિક અને સદાચારી જીવન જીવવાની અને દરેક સંજોગોમાં આપણી ક્ષમતા મુજબ આપણી ફરજ નિભાવવાની આપણી માન્યતાને પુનઃ જાગૃત કરે છે. આ તહેવારનું તેજ આપણા હૃદયના મૂળમાં જ્ઞાન, શાણપણ અને કરુણા ફેલાવે છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભકામના

 

દિવાળીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેણે X પર પોસ્ટ કરીને લખ્યું, “દેશમાં તમારા પરિવારના તમામ સભ્યોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ખાસ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.”

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ભગવાનને કરી પ્રાર્થના

 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિવાળીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, “ દિવાળી મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામના. અંધકારમાંથી પ્રકાશ તરફની ગતિનું આ પર્વ વિશ્વભરમાં સત્યની જ્યોત વધુ તેજોમય બનાવે અને સૌના જીવન સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તેમજ આત્મિક ગુણો રૂપી વૈભવથી પરિપૂર્ણ બને એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના.”

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતાને પાઠવ્યા અભિનંદન

 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું કે, “અસત્ય પર સત્યની જીત, અત્યાચાર પર સદાચાર, અંધકાર પર પ્રકાશના મહાન તહેવાર દિવાળીના અવસર પર રાજ્યની જનતાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. ભગવાન રામ અને માતા જાનકીની કૃપાથી, આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યના સફેદ પ્રકાશથી પ્રકાશિત કરે. જય શ્રી રામ.”

આ પણ જાણો :વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરહદ પર સૈન્ય જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે

Back to top button