પ્રમુખ સ્વામી મહારાજે હાર્ટ એટેક અને બાયપાસ સર્જરી કરાવવા છતાં લોકસેવાનું વિચરણ રાખ્યું હતું શરૂ
જનસેવા અને સમાજસેવા માટે સમગ્ર વિશ્વમાં ઘર-ઘર સુધી વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માનવમાત્રમાં નૈતિક મૂલ્યોના સ્થાપન અને જતન માટે સમય, સંજોગો, શારીરિક તકલીફો કે સુવિધાઓને ગણકાર્યા વગર પ્રમુખસ્વામી મહારાજ પરહિતસુખાય માટે સતત વિચરતા રહ્યા હતા. પળેપળનો ઉપયોગ કરીને વિચરણ દ્વારા લાખો ભાવિકોને આશ્વાસન-માર્ગદર્શન-પ્રેરણા આપતાં પ્રમુખસ્વામી મહારાજ સૌના સ્વજન બન્યા હતા. ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિચરણ- સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
બાપાએ લાખો હરિભક્તોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની જ્યોતી પ્રજ્વલિત કરી
પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPS ના પૂ આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખ જ્યોતિ ઉદ્યાનની રચના કરવામાં આવી છે જેનો મુખ્ય આશય પ્રમુખસ્વામી મહારાજને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું દર્શન સમગ્ર વિશ્વને થાય તે છે. પ્રમુખસ્વામી મહારાજ શ્રદ્ધાના સાકાર મૂર્તિ સમાન સંત હતા અને તેમને લાખો હરિભક્તોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની જ્યોતી પ્રજ્વલિત કરી છે. આ નગરમાં મુખ્ય 6 વિષયો પ્રકૃતિમાં શ્રદ્ધા, દેશમાં શ્રદ્ધા, વિશ્વમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા આવરી લેવામાં આવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજને ભગવાન અને તેમના ગુરુ પ્રત્યેની પ્રાર્થનામાં અનોખી શ્રદ્ધા હતી અને તેઓ દૃઢપણે માનતા હતા કે, “ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે.”
આજે 2,00,000 આદિવાસીઓ સત્સંગી છે અને ઘણા તો સંતો પણ થયા
પ્રમુખસ્વામી મહારાજે આદિવાસી વિસ્તારોમાં પણ અનેકવિધ મુશ્કેલીઓમાં પુષ્કળ વિચરણ કર્યું છે. આજે 2,00,000 આદિવાસીઓ સત્સંગી છે અને ઘણા તો સંતો પણ થયા છે. પ્રમુખસ્વામી મહારાજના સતત વિચરણમાં તેમણે તેમના પંચવર્તમાનમાં લેશ ઓછપ આવવા દીધી નથી. પ્રમુખસ્વામી મહારાજના વિચરણને પ્રતાપે 162 પ્રવૃતિઓ વિકસી, 1000 સાધુ બનાવ્યા, 1200 મંદિરો બનાવ્યા, અનેક ઉત્સવો કર્યા. પ્રમુખસ્વામી મહારાજે દેશ વિદેશમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી હતી.
NDDB ની કોન્ફરન્સમાં કોણે શું કહ્યું ?
પ્રમુખસ્વામી મહારાજનગરમાં આજે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અંગે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BAPS ના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, “આજે વિશિષ્ટ કોન્ફરન્સ છે જેમાં ટેકનોક્રેટ્સની સાથે ખેડૂતો પણ ઉપસ્થિત છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે દેશની પ્રગતિ માટે ખેડૂતોનો વિકાસ અગત્યનો છે. આ ઉપરાંત વર્ગીસ કુરિયનને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે ખૂબ આદરભાવ હતો. તેઓ એવું કહેતા કે ‘જયારે હું પ્રમુખસ્વામી મહારાજના કાર્ય સામે જોઉ છું ત્યારે મારી સિદ્ધિઓ વામણી લાગે છે. પ્રમુખસ્વામી મહારાજમાં ભગવાનની ઉપસ્થિતિ અનુભવી શકાય છે.” જ્યારે કે, ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ (એનડીડીબી)ના ચેરમેન મીનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, “આજે આ કોન્ફરન્સ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી શક્ય બની છે. આપણે 2030 સુધીમાં વિશ્વની તૃતીય સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહ્યા છે. ઉપરાંત GCMMF ના મેનેજિંગ ડિરેકટર ડૉ. આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે, “BAPS સંસ્થાનો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કોન્ફરન્સ માટે આભાર માનું છું. અમૂલના સ્થાપકો, ખેડૂતો અને તેમાં જોડાયેલાં સર્વેનો પણ અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી ઉદ્યોગમાં પરિવર્તિત કરવા માટે અભિનંદન આપું છું. એક નાનકડો વિચાર, જે આજે 61000 કરોડના ઉદ્યોગમાં પરિવર્તિત થઈ. રાજ્યના પશુપાલન અને મત્સ્યઉદ્યોગના રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “ધર્મને કેન્દ્રમાં રાખીને કેવી રીતે સમાજ ઉત્થાન અને વિકાસ કરી શકીએ તેના પાઠ શીખવવા બદલ હું BAPSનો આભાર માનું છું.”