રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરવા બદલ રાષ્ટ્રપતિએ આર્મી ઓફિસરને બરતરફ કર્યા
- પાકિસ્તાની ગુપ્તચર એજન્ટ સાથે સંપર્કમાં હોવાનો આરોપ
- આરોપોની તપાસ માટે 2022માં પેનલની રચના કરાઈ હતી
- મેજરને રાષ્ટ્ર માટે ખતરો ઉભી કરનારી પ્રવૃત્તિઓ માટે દોષિત ઠેરવ્યા
નવી દિલ્હી: પાકિસ્તાની ગુપ્તચર એજન્ટ સાથે સંપર્કમાં રહીને સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય સેનાના મેજરને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ બરતરફ કર્યા છે. સંરક્ષણ સૂત્રોએ મંગળવારે આ અંગે માહિતી આપી. તેઓ સેનાના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ યુનિટમાં તૈનાત હતા. સેનાની તપાસમાં મેજરને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઊભો કરનારી પ્રવૃત્તિઓ માટે દોષિત ઠેરવ્યા છે. બરતરફ કરાયેલા મેજર કથિત રીતે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટરના સંપર્કમાં હતો.
આર્મી મેજર પાસેથી ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા
મળતી માહિતી મુજબ, મેજર સામેના આરોપોની તપાસ માટે માર્ચ 2022માં અધિકારીઓની એક પેનલની રચના કરાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મેજરના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાં ગુપ્ત દસ્તાવેજોની નકલો છે, જે સેનાના નિયમોની વિરુદ્ધ છે. સૂત્રોએ જણાવ્યું કે તપાસ દરમિયાન કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે મેજરની મિત્રતાની પણ તપાસ કરાઈ હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘પટિયાલા પેગ’ નામના વોટ્સએપ ગ્રુપના કેટલાક સભ્યો પણ આ તપાસના દાયરામાં છે.
સેનાએ બ્રિગેડિયર અને લેફ્ટનન્ટ કર્નલને સોશિયલ મીડિયા પોલિસીનું ઉલ્લંઘન કરવા અને વૉટ્સએપ ગ્રુપના સભ્ય હોવા બદલ કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે. આ વૉટ્સએપ ગ્રુપ પર વાંધાજનક કન્ટેન્ટ શેર કર્યું હતું. સેના તેના ચાર અધિકારીઓની ‘પટિયાલા પેગ’ વૉટ્સએપ ગ્રુપના સભ્ય હોવાની તપાસ કરી રહી છે. એવી શંકા વ્યક્ત કરાઈ છે કે પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટર્સ પણ વૉટ્સએપ ગ્રુપના સભ્ય છે.
આ પણ વાંચો: સમગ્ર દેશમાં ડૉકટર્સ માટે વન નેશન, વન રજીસ્ટ્રેશન લાગુ થશે