ગુજરાતચૂંટણી 2022નેશનલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જાણો શું છે આખો કાર્યક્રમ

Text To Speech

દેશના પ્રથમ નાગરીક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. કાલે સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરણ કરશે જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીમંડળ તેઓનું સ્વાગત કરશે અને ત્યાંથી તેઓ રાજભવન જવા રવાના થશે જ્યાંથી તેઓના કાર્યક્રમની શરૂઆત થવાની છે.

શું છે તેમના આખા પ્રવાસની રૂપરેખા ?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતેથી રાજપીપળામાં નિર્માણ પામનાર જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કરશે, છ માળમાં નિર્માણ થનારી આ હોસ્પિટલમાં કુલ 540 પથારીઓની સગવડ હશે. આ હોસ્પિટલ ખાતે ઓ. પી. ડી. સેવાઓ, તમામ પ્રકારના ઓપરેશનની સેવાઓ તેમજ ઈમરજન્સી સેવાઓ પૂરી પડાશે. નર્મદા જીલ્લામાં વસવાટ કરતી વસ્તીમાંથી લગભગ 85% નાગરિકો આદિવાસી વનવાસી છે ત્યારે નિર્માણ પામનાર આ હોસ્પિટલ તેમના માટે આશીર્વાદ રૂપ બનશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. ૩ ઓક્ટોબર, 2022 ના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિર્માણ પામનાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાનું ખાતમુહૂર્ત કરશે. રૂ.373 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી 600 બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે 255 બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે. રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે 448 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ થઈ શકે તેવી કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ તૈયાર કરાશે. હૃદયને લગતી તમામ બીમારીઓનું નિદાન અને સારવાર ઉપરાંત કિડની સંબંધિત બીમારી માટે નેફ્રોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલીસીસ વોર્ડ પણ બનાવવામાં આવશે.

Back to top button