

- આજે બપોરે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચશે
- હાથી સંરક્ષણ પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે
- ગુવાહાટી હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આસામની ત્રણ દિવસીય મુલાકાતે છે. તે બપોરે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચશે. ત્યારબાદ, રાષ્ટ્રપતિ મુર્મુ જીપ સફારી લેશે અને અહીં ભારતમાં હાથી સંરક્ષણ પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના પ્રવાસના બીજા દિવસે એટલે કે શુક્રવારે ગજ ઉત્સવ 2023 નું ઉદ્ઘાટન કરશે. આ ફેસ્ટિવલ કાઝીરંગા નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ એલિફન્ટના 30 વર્ષ સફળતાપૂર્વક પૂરા થવાને ચિહ્નિત કરશે.
CM અને કેન્દ્રીય મંત્રી રહેશે ઉપસ્થિત
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ મુર્મુ શુક્રવારે જ ગુવાહાટીમાં ગુવાહાટી હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે. આ સાથે કંચનજંગા પર્વત અભિયાનને લીલી ઝંડી બતાવશે.
મુર્મુ સુખોઈ 30 ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરશે
રાષ્ટ્રપતિ આસામ મુલાકાતના ત્રીજા અને છેલ્લા દિવસે શનિવારે તેજપુર જશે. અહીં તે એરફોર્સ સેન્ટરથી સુખોઈ 30 ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરશે. અગાઉ 2009માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ફ્રન્ટલાઈન ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી.