રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રવિવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રને આ તેમનું પ્રથમ સંબોધન હશે. રાષ્ટ્રપતિ ભવને એક નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક્સ અને તમામ દૂરદર્શન ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિનું સંબોધન પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ પછી, તે સંબંધિત પ્રાદેશિક ભાષાઓમાં તેની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેડિયો તેનું પ્રાદેશિક ભાષામાં રાત્રે 9.30 વાગ્યે તેમના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર પ્રસારણ કરશે.
જણાવી દઈએ કે મુર્મુ (64)એ 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તે સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર સૌથી નાની અને પ્રથમ આદિવાસી છે. તેઓ દેશની આઝાદી પછી જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ છે. તમને જણાવી દઈએ કે, સ્વતંત્રતા દિવસની દેશભરમાં ખાસ તૈયારીઓ ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં દર વખતની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ પર વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે કારણ કે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે.
‘હર ઘર તિરંગા’ અભિયાન
દરમિયાન આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ થઈ ગયું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકારે સ્વતંત્રતા દિવસને ખાસ બનાવવા માટે આ અભિયાન શરૂ કર્યું છે. આજથી દેશભરમાં લોકો પોતાના ઘરે ત્રિરંગો ઝંડો ફરકાવી રહ્યા છે.