બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રક્ષાબંધન પર્વને લઈને દેશના રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુને પવિત્ર સ્નેહની રાખડી બાંધવામાં આવી. સંસ્થાની બહેનોએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને રાખડી બાંધી પર્વની ઉજવણી કરી અને શુભકામના પાઠવી હતી
બ્રહ્માકુમારી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી
બ્રહ્માકુમારીઝના શશીકાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને પવિત્ર સ્નેહની રાખડી આજે (મંગળવારે) રાષ્ટ્રપતિ ભવનમાં બ્રહ્માકુમારી આશાબેને બાંધી હતી. જ્યારે ઓમશાંતિ રીટ્રીટ દિલ્હીના ડાયરેક્ટર તથા સંસ્થાના ભ્રાતા બ્રિજમોહનને શ્રીમતિ મુર્મુએ બાંધી હતી. પ્રત્યુતરમાં શ્રીમતી મુર્મુએ પવિત્રતાના પ્રતિક રાખડી બ્રિજમોહનજીને બાંધી દેશના સર્વાંગી વિકાસ અને માનવ સમાજના સકારાત્મક પરિવર્તનની ભાવના પ્રગટ કરી હતી. ત્યારબાદ પાંચ મિનિટ મેડીટેશન પણ કર્યું હતું.
રાજકીય દિગ્ગજોને બાંધશે રાખડી
બ્રહ્માકુમારી દ્વારા રક્ષાબંધન મહોત્સવમાં દેશના પ્રધાનમંત્રી, તમામ મંત્રીઓ, ગવર્નર, ઉચ્ચ હોદ્દેદારો સહિત જિલ્લાની જેલો, અંધશાળા, વૃદ્ધાશ્રમ, શાળાઓ, કોલેજ તેમજ ગરીબ પરિવારો સાથે કરોડો ભાઈ- બહેનોને એક બુરાઈ છોડી, એક સદગુણ અપનાવવાનો દ્રઢ સંકલ્પ કરાવી મો મીઠું કરાવવામાં આવશે.
ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રક્ષાબંધનની કરશે ઉજવણી
ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, પાલનપુર,અંબાજી, ડીસા, ભીલડી, ધાનેરા અને રાધનપુર સહિતના સેવા કેન્દ્ર પર 11 ઓગસ્ટના રોજ સવારે અને સાંજે વિશ્વ બંધુત્વની ભાવના સાથે બ્રહ્માકુમારી બહેનો દ્વારા રક્ષાબંધન કરવામાં આવશે.