હમાસના ચીફના મૃત્યુ પર પ્રમુખ બાયડનની પ્રતિક્રિયા, કહ્યું: વિશ્વ માટે શુભ દિવસ
- જુલાઈમાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ સિનવાર હમાસના નવા નેતા બન્યા હતા
વોશિંગ્ટન DC, 18 ઓકટોબર: ઈઝરાયેલે હમાસના ચીફ યાહ્યા સિનવારને મારી નાખ્યો છે. જુલાઈમાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ સિનવાર હમાસના નવા નેતા બન્યા હતા. સિનવારના મૃત્યુ બાદ અમેરિકી પ્રમુખ જો બાયડનની પ્રતિક્રિયા પણ બહાર આવી છે. જો બાયડને કહ્યું છે કે, ઇઝરાયલી સૈનિકોના હુમલામાં હમાસના નેતા યાહ્યા સિનવરની હત્યા એ ઇઝરાયલ, અમેરિકા અને વિશ્વ માટે શુભ દિવસ છે. સિનવારનું મૃત્યુ હમાસ માટે ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાની અને ગાઝામાં એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધને સમાપ્ત કરવાની તક છે.
Hamas leader Yahya Sinwar is dead.
This is a good day for Israel, for the United States, and for the world.
Here’s my full statement. pic.twitter.com/cSe1czhd9s
— President Biden (@POTUS) October 17, 2024
‘આતંકવાદી ન્યાયથી છટકી નહીં શકે’
જો બાયડને કહ્યું કે, 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પરના હુમલાના માસ્ટરમાઈન્ડનું મૃત્યુ ફરી એકવાર સાબિત કરે છે કે વિશ્વમાં ક્યાંય પણ કોઈ આતંકવાદી ન્યાયથી બચી શકશે નહીં, પછી ભલે તે ગમે તેટલો સમય લે. બાયડને કહ્યું કે, તેઓ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત અન્ય ઇઝરાયેલી નેતાઓ સાથે વાત કરશે અને અભિનંદન આપશે. બાયડને એમ પણ કહ્યું કે, તેઓ બંધકોને તેમના પરિવારોને પરત કરવા અને આ યુદ્ધને કાયમ માટે સમાપ્ત કરવાની રીતો પર ચર્ચા કરશે. બાયડને આ ઘટનાની તુલના અલ-કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનની હત્યા બાદ અમેરિકામાં અનુભવાયેલી લાગણી સાથે કરી હતી. લાદેન પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા પર થયેલા હુમલાનો આરોપ હતો.
કમલા હેરિસે શું કહ્યું?
તે જ સમયે અમેરિકી પ્રમુખ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે પણ સિનવારના મૃત્યુને ગાઝામાં યુદ્ધને સમાપ્ત કરવાની તક ગણાવી હતી. વિસ્કોન્સિન કોલેજ કેમ્પસમાં પ્રચાર કરતી વખતે, કમલા હેરિસે કહ્યું કે, યુદ્ધ એવી રીતે સમાપ્ત થવું જોઈએ કે ઇઝરાયલ અને તેના નાગરિકો સુરક્ષિત હોય, બંધકોને મુક્ત કરવામાં આવે, ગાઝામાં દુઃખનો અંત આવે અને પેલેસ્ટિનિયન લોકો સન્માન, સુરક્ષા અને સ્વતંત્રતાના પોતાના અધિકારનો અનુભવ કરી શકે. તેમણે કહ્યું કે,”હવે નવો દિવસ શરૂ કરવાનો સમય છે,”
આ પણ જૂઓ: ભારતે કેનેડામાંથી રાજદ્વારીઓને પાછા બોલાવ્યા: આવું છે કારણ