ગેમઝોન અગ્નિકાંડ અને સ્માર્ટ મીટર અંગે CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત
અમદાવાદ, 29 મે, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનનાં અગ્નિકાંડમાં 28 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. પોતાના સ્વજનો ગુમાવીને ઘેરા આઘાતમાં પરિવારો મુકાયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિનાં પ્રમુખ મુકેશ પરીખે CM ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, રાજકોટના ટી.આર.પી. ગેમ ઝોનના અગ્નિકાંડમાં કસુર વારો પર દાખલા રૂપ પગલા ભરવા તેમ જ સ્માર્ટ મીટરએ જનતાને લૂંટવાનો કારસો છે. જેથી સ્માર્ટ મીટર યોજના રદ કરવામાં આવે.
લાપરવાહીના કારણે 175 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ તરીકે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં જ ભીષણ અને ભયાનક અગ્નિકાંડના બનાવોમાં તેમજ મોરબીના ઝૂલતા પુલના તેમજ વડોદરાના હરણી તળાવના બોટકાંડ, કોરોના કાળમાં તેમજ ત્યારબાદ હોસ્પિટલોમાં આગના બનાવો, સુરતના તક્ષશીલાના કોચીંગ કલાસના તેમજ હોસ્પિટલોમાં આગના બનાવમાં સત્તાવાળાઓ અક્ષમ્ય ઘોર ગુનાહિત બેદરાકરી અને લાપરવાહીના કારણે 175 થી વધુ નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. નિર્દોષ ફુલ જેવા માસુમ બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે સરકારનો ગ્રાહક બાબતોનો વિભાગ અને કા.પા.ગા. નિષ્ક્રિય રહે છે. સરકારના ગ્રાહક બાબતોના વિભાગ તરફથી ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે 32 મૃતકોના પરિવારને ન્યાય અપાવવા ગેમ ઝોનના તમામ કસૂરવાર સંચાલકો વિરૂધ્ધ રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કાયદેસરની ફરીયાદ દાખલ કરી તમામ વિક્ટીમને વળતર અને ન્યાય અપાવવા દાદ માંગવી જોઇએ. ફરીયાદ સાબિત કરવા તમામ જરૂરી દસ્તાવેજી પુરાવાઓ આપવા અને પીડીતોના પરિવારને ફરિયાદ કરવા સમજાવશે તો ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ એકપણ રૂપિયો ફી લીધા વગર સંપુર્ણ નિઃશુલ્ક ફરીયાદો દાખલ કરી પીડીતોની પડખે ઉભા રહી ન્યાય અપાવશે. ગેમ ઝોનના સંચાલકો સર્વિસ પ્રોવાઇડર છે અને ગેમ ઝોનમાં ભાગ લેવા માટે જ્યારે અવેજ વસુલ કર્યો હોય ત્યારે સર્વિસ પ્રોવાઇડર હોવાથી ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પડે છે. સંચાલકોની સુરક્ષા અને સલામતિની સૌપ્રથમ જવાબદારી છે.
3 હજારનું મીટર 8 હજારમાં વેચાણ કરાશે: મુકેશ પરીખ
કેન્દ્ર સરકારની સ્માર્ટ મીટર યોજના અંગે મુકેશ પરીખે વાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા વીજ કંપનીઓને શરૂઆતમાં ફંડ આપવામાં આવી રહ્યું છે અને સરકારી વીજ કંપનીઓ અને ખાનગી વીજ કંપનીઓ પણ વીજ કનેક્શન ધારક ગ્રાહકોને દેશભરમાં 23 કરોડ અને ગુજરાતમાં 1.64 કરોડ Pre-paid Smart Energy Meter પધરાવવાનો કારસો કર્યો છે. રૂ.3 હજારનું મીટર રૂ.8 હજારમાં વેચાણ કરવામાં આવશે. ગ્રાહકો પાસેથી પાછળથી બીલમાં મીટરની મોં માગી મનસ્વી કિંમત વસુલ કરવામાં આવશે. અત્યારના ઇલેકટ્રોનિક ડીજીટલ મીટરો પરફેક્ટ છે અને નવા Pre-paid Smart Energy Meter ની કોઇ જરૂરીયાત ન હોવા છતાં વીજ ચોરી અટકાવવાના નામે પ્રિ. પેઇડ સ્માર્ટ મીટરો આપવા સરકારી ગોરખ ધંધા થઇ રહ્યા છે. તેમજ કરોડો વીજ ગ્રાહકોના અબજોની રકમ, એક ગણતરી કરીએ તો હંમેશા વગર વ્યાજે કંપનીઓ પાસે જમા રહેશે. એક ગ્રાહક સરેરાશ રૂ.3 હજાર પ્રિ. પેઇડ સ્માર્ટ મીટરથી વીજળી ખરીદવા એડવાન્સ જમા કરાવે તો દેશભરના 23 કરોડ વીજ ગ્રાહકોના રૂ.69 હજાર કરોડ હંમેશા આજીવન કંપનીઓ વગર વ્યાજે જમા રાખી ધંધો કરશે. રૂ.3000 નું મીટર રૂ.8 હજારમાં વેચાણ કરવાથી રૂ.1,15,000 કરોડની નફાખોરી થશે. આ રકમ કોના ખિસામાં જશે, કોને કેટલુ કમિશન મળશે તેવા અનેક સવાલો સર્જાયા છે. ગ્રાહકો આજે જાગૃત થયા છે અને ફરજીયાત પ્રિ. પેઇડ સ્માર્ટ મીટરો સામે રસ્તાઓ ઉપર આવી આંદોલન કરી બહિષ્કાર પોકારશે, સાથે સાથે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની રીટ અરજી કરી દાદ માંગવામાં આવશે.
આ પણ વાંચો..રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતકોના DNA મેચ થયા