કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

કાલે જામનગરમાં ઉપરાષ્ટ્રપતિ અને ગુજરાત, દિલ્હીના CMની ઉપસ્થિતી

Text To Speech
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે તેઓ દ્વારકા દર્શને આવતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું જામનગર એરપોર્ટ ઉપર સ્વાગત કરશે અને ત્યારબાદ તેઓને દ્વારકા જવા માટે રવાના કરાવશે. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી જામનગર મહાપાલિકા દ્વારા નિર્મિત ગોલ્ડન સિટી પાછળ સોનલનગર ખાતેના લમ્પી આઇસોલેશન કમ વેક્સિનેશન સેન્ટરની મુલાકાતે જવાના છે ત્યારબાદ ત્યાંથી તેઓ કલેકટર કચેરી ખાતે પહોંચી લમ્પી વાયરસની સ્થિતિ અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે આ પ્રવાસ અંતર્ગત રાજ્યના કૃષિમંત્રી-ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવકતા જીતુભાઇ વાઘાણી, રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા તથા ધારાસભ્ય આર.સી. ફળદુ, ધારાસભ્ય હકુભા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ સહિતનાઓ ઉપસ્થિત રહેવાના છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કાલે જામનગરમાં : વેપારીઓ સાથે યોજશે સંવાદ કાર્યક્રમ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે જામનગરની મુલાકાતે આવવાના છે આ સમાંતર કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવતીકાલે જામનગર આવવાના છે. તેઓ શહેરનાં ઓસવાલ સેન્ટર ખાતે વેપારી અને ઉદ્યોગપતિઓ સાથે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં હાજરી આપશે અને વેપાર ઉદ્યોગ જગતના પ્રશ્નો સાંભળી તેઓ જામનગર માટે કોઇ મોટી જાહેરાત કરી શકે છે અથવા ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાજ્ય માટે પણ કોઇ જાહેરાત કરે તેવી શકયતા જોવા મળી રહી છે. ઓસવાલ સેન્ટરના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ટાઉન હોલ ખાતે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ મુલાકાતને લઇ જામનગર શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Back to top button