ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની તૈયારી! સુપ્રીમ લીડર ખામેનેઈએ હુમલો કરવાનો આપ્યો આદેશ
- મધ્ય પૂર્વ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે
તેહરાન, 1 ઓગસ્ટ: મધ્ય પૂર્વ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી છે. ત્યારથી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. ત્યારે મળતી માહિતી મુજબ, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ પોતાના લડવૈયાઓને ઇસરાયેલ પર હુમલો કરવાનો આદેશ આપી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ભયાનક નરસંહાર કર્યો હતો. ઈઝરાયલે આ હુમલાના ગુનેગારો પાસેથી બદલો લેવાની વાત કરી હતી. હવે ગઈકાલે મંગળવારે ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. હાનિયાને 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા ભયાનક હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.
તાકીદની બેઠકમાં હુમલાનો આદેશ
ન્યૂયોર્ક ટાઈમ્સે ઈરાની અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈએ ઈસ્માઈલ હાનિયાના મૃત્યુનો બદલો લેવા ઈરાનને ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની ઈમરજન્સી બેઠકમાં ખામેનેઈએ હુમલાનો આદેશ આપ્યો હતો. ખામેનેઈએ લશ્કરી કમાન્ડરોને યુદ્ધની સ્થિતિમાં હુમલા અને સંરક્ષણ બંને માટે યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી છે.
ઈઝરાયેલે જવાબદારી લીધી નથી
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગત વર્ષથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, ઈરાને ઈઝરાયલ પર હાનિયાની હત્યાનો આરોપ લગાવ્યો છે. જોકે, ઇઝરાયલે ન તો આ હત્યામાં તેની સંડોવણીનો સ્વીકાર કર્યો છે કે ન તો ઇનકાર કર્યો છે.
ઈઝરાયેલે કહ્યું હતું કે, ઇરાને ભારે કિંમત ચૂકવવી પડશે
બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, જો તેમના દેશ પર કોઈપણ મોરચે હુમલો થશે તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે. તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાના હવાઈ હુમલામાં માર્યા ગયા પછી આ તેમનું પ્રથમ જાહેર નિવેદન હતું.
આ પણ જૂઓ: આતંક પર વાર… હવે SOG જંગલોમાં બનાવશે 75 કેમ્પ, સુરંગો પર રાખશે નજર