તૈયારીઓ : વિધાનસભાની ચૂંટણીને તંત્ર સક્રિય બન્યું, ડીસા નાયબ કલેકટર કચેરીમાં કર્મચારીઓની બેઠક
પાલનપુર: ડીસાની નાયબ કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટર યુ.એસ શુક્લાની અધ્યક્ષતામાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ સરકારી કર્મચારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા તાલુકાના તમામ કર્મચારીઓ હાજર રહી બેઠકમાં જોડાયા હતા.
ચૂંટણીને લઈ જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ -જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી દરેક પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પોતાના પક્ષને મજબુત બનાવવા માટે બેઠકો કરતા હતા. જેમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે, ત્યારે હવે વહીવટી તંત્ર દ્વારા પણ આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇ બેઠકો શરૂ કરી છે. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પહેલા કોઈપણ વ્યક્તિ ચૂંટણી કાર્ડ વગર ન રહી જાય તે માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણીમાં કયા પ્રકારની વ્યવસ્થા કરવી તે અંગે પણ વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ બેઠકોનો દોર શરૂ કર્યો છે. જે અંતર્ગત ડીસાના નાયબ કલેકટર યુ. એસ. શુકલાની અધ્યક્ષતામાં નાયબ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ડીસા તાલુકાના વિવિધ કચેરીઓના સરકારી કર્મચારીઓ આ બેઠકમાં જોડાયા હતા. અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કયા પ્રકારની કામગીરી બજાવવી તે અંગે નાયબ કલેકટર દ્વારા તમામ સરકારી કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. શુક્રવારે યોજાયેલી આ બેઠકમાં ડીસાના નાયબ કલેકટર, ડીસા ગ્રામીણ મામલતદાર, ડીસા શહેર મામલતદાર સહિત વિવિધ સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.