પાલનપુરમાં જર્જરિત બનેલી 36 ઇમારતો ઉતારી લેવા તાકીદ


પાલનપુરમાં ભારે વરસાદને પગલે ભેજના કારણે જોખમી બની ગયેલા 36 જેટલા નબળા મકાનોના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. જો મકાન માલિકો જર્જરીત બની ગયેલી તેમની આ ઈમારતો સમયસર નહીં ઉતારે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
36 ઇમારતો જર્જરિત હાલતમાં
નગરપાલિકાને જ્યારે ચોમાસુ આવે ત્યારે જર્જરીત મકાનો યાદ આવે છે. અગમચેતીના ભાગરૂપે સમયસર નોટિસો આપવાના બદલે ચોમાસુ શરૂ થઈ જાય પછી એકાએક તંત્ર જાણે ઉંઘમાંથી જાગ્યું હોય તેમ જ જર્જરિત મકાનોના માલિકોને નોટિસ ફટકારી દે છે.
મકાનમાલિકોને પાઠવી નોટીસ
ગત દિવસોમાં વરસાદ થતાં જર્જરિત બની ગયેલી અને ભેજના કારણે ગમે ત્યારે ધસી પડે તેમ છે. આવા છત્રીસ જેટલા મકાનોના માલિકોને પાલિકાએ નોટિસ પાઠવીને તેમના આ મકાનો ઉતારી લેવા તાકીદ કરી છે. 10 નોટિસો જર્જરિત મકાનો ઉપર જ ચોંટાડી દેવાઇ છે. જ્યારે 26 જેટલી નોટીસ રવાના કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
જર્જરિત મકાનોને ઉતારી લેવા આપી સુચના
શહેરમાં અગાઉ ચોમાસા દરમિયાન આવા નબળા થઈ ગયેલા મકાનો તૂટી પડ્યા હોવાની ઘટનાઓ બની છે. ત્યારે બરાબર ચોમાસાના સમયમાં જ પાલિકાનું તંત્ર મોડે મોડે હવે જાગ્યું છે. અને જર્જરિત મકાન માલિકો તેમને યાદ આવ્યા હોય તેમ નોટીસો ફટકારીને સંતોષ માની લે છે. ખરેખર કોઈ પણ નાગરિકને આવા જોખમી મકાનોથી નુકસાન થાય તે પહેલા પાલિકાએ તેની દેખરેખ હેઠળ આવા મકાનનો સત્વરે ઉતારી લેવા જોઈએ એવું શહેરીજનોનું કહેવું છે.