નડિયાદઃ કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. રણછોડરાયના ધામ ડાકોરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે રંગારંગ ઉજવણી થશે. આ દિવસે શ્રીજીની શાહી સવારી નીકળશે. અષાઢી બીજને પખવાડિયાનો સમય બાકી છે. ત્યારે યાત્રાધામ ડાકોરમાં રથયાત્રામાં વપરાતા રથ તેમજ ઓજારોની મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આષાઢ સુદ બીજના દિવસે યાત્રાધામ ડાકોરમાં પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે. આ વખતે ભગવાની 250મી રથયાત્રા નીકળશે. ભગવાનને સોળે શણગાર કરવામાં આવે છે. ભગવાનના આવા શણગારના ઓલૌકિક દર્શન કરવા ગુજરાતમાંથી ઠેકઠેકાણે શ્રદ્ધાળુઓ આવે છે. મંદિર પરિસર ‘જય રણછોડ’ના નાદ સાથે ગુંજી ઊઠે છે. આ સાથે પુષ્યનક્ષત્ર મુજબ ભવ્યાતિભવ્ય રીતે રથયાત્રા નીકળે છે. જે નગરના રાજમાર્ગો પર ફરે છે. જો કે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી રથયાત્રા પર્વની ઉજવણીમાં નજર લાગી હતી. પરંતુ ચાલુ વર્ષે આ ઉજવણી ધામધૂમપૂર્વક થનાર છે.
અષાઢી બીજના પખવાડીયા જેટલો સમય બાકી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે મરામત કરવાની કામગીરી આરંભી દેવામાં આવી છે. અહીંયા છેલ્લા 55 વર્ષથી કામ કરતા નિજાનંદ ત્રિભોવનદાસ સુથાર ભગવાનના વિચરણ કરવાના રથનું સમારકામ કરે છે. આ રથમાં એક ચાંદીનો રથ, બીજો પિત્તળનો રથ તેમજ અન્ય લાકડાંનો રથ મુખ્ય છે. બાકી પાલખી, મેના, ગજરાજ પર મૂકવાની અંબાડી, રથના પૈડાં તેમજ વિવિધ પ્રકારની રથયાત્રામાં ઉપયોગમાં લેવાતાં સાધન તેમજ ઓજારોને ચકચકાટ કરવામાં લાગી ગયા છે.
આમ મિસ્ત્રિ દ્વારા નાનામાં નાની ભગવાનના ઓજારોની મરામત કરવામાં આવે છે. આ રથોની ખાસિયત રજવાડાના સમયમાં બનાવેલી હોવાની માહિતી છે. ચાંદીનો તેમજ પિત્તળનો આ અલભ્ય રથ નકશીકામવાળા હોવાથી ખૂબ જ નયનરમ્ય લાગે છે. આ બન્ને રથ ભગવાનની રથયાત્રા દરમિયાન સેવામાં રહેતા હોય છે. જ્યારે લાકડાંનો મૂલ્યવાન ૨થ ઘણાં વર્ષો થયા હોવાથી તેને મંદિરમાં જ મૂકવામાં આવે છે. તે ૨થ પર શ્રીજીનું અધિવાસન થાય છે, પણ વિચરણ માત્ર ચાંદી અને પિત્તળના રથ પર કરવામાં આવે છે. વધુમાં સોનાના પતરાની ખુરશી મહત્વની હોવાથી તેને પણ દર સાલ સાવચેતીપૂર્વક મરામત કરાય છે.