અંબાજી ભાદરવી મહાકુંભની તૈયારીઓ શરૂ : જુદી જુદી ૨૮ સમિતિઓની કરાઈ રચના
પાલનપુર: અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે આગામી તા. ૫ થી ૧૦ સપ્ટે.’૨૨ દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મહામેળાના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટર આનંદ પટેલ દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ તમામ સમિતિઓ તા. ૩૧ ઓગષ્ટ સુધીમાં પોતાને સોંપવામાં આવેલ કામગીરીઓ પૂર્ણ કરી દેવાની રહેશે.
આગામી ૫ થી ૧૦ સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના મેળાનું આયોજન
શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરએ વિવિધ સમિતિના અધિકારીઓ સાથે વિસ્તૃત અને ઝીંણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે, બે વર્ષના લાંબા અંતરાલ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌએ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી કરવાની છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટર એ.ટી.પટેલ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર.કે.પટેલ સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેળા માટે 28 સમિતિઓની રચના
ભાદરવી પૂનમના મેળા દરમ્યાન સતત સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા સમિતિ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને સલામતિ, કાયદો અને વ્યવસ્થા સમિતિની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્યની જાળવણી માટે આરોગ્ય સમિતિ, આકસ્મિક સારવાર માટે ઇમરજન્સી સારવાર સમિતિ, અંબાજી તરફના રસ્તાઓની મરામત માટે રસ્તા મરામત સમિતિ, મેળા દરમ્યાન પાણીની સુવિધા પુરી પાડવા પાણી પુરવઠા સમિતિ, સતત વીજ પુરવઠો જાળવવા વિદ્યુત પ્રવાહ સમિતિ, દૂધ વિતરણ વ્યવસ્થા માટે દૂધ અને ખાદ્ય સામગ્રી વિતરણ તથા ચકાસણી સમિતિ, વાહન વ્યવહારને લગતા જાહેરનામાઓના અમલ માટે અંબાજી તરફના પ્રવેશમાર્ગો પરના નિયંત્રણ અને પાર્કિગ સમિતિ, હોટલ અને ગેસ્ટ હાઉસ ધર્મશાળા તપાસણી, પ્રવાસી વ્યવસ્થાપન અને યાત્રાળુઓ આવાસ સમિતિ, ગબ્બર ઉપર સંચાલન સમિતિ, ૫૧ શક્તિપીઠ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સમિતિ, રખડતાં ઢોરોનું નિયંત્રણ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, વી.આઇ.પી. પ્રોટોકોલ અને લાયઝન સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ, પ્રસાદ વ્યવસ્થા સમિતિ, ભંડારા ગણતરી સમિતિ, ઇમરજન્સી રીસ્પોન્સ સમિતિ, વાહનોની ચકાસણી તથા પાસ આપવાની કામગીરી દાંતા મુકામે, વાહનોની ચકાસણી તથા પાસ આપવાની કામગીરી અંબાજી મુકામે, વાહનોની ચકાસણી તથા પાસ આપવાની કામગીરી જીએમડીસી ત્રણ રસ્તા અંબાજી મુકામે, મેળામાં વિખુટા પડેલ તેમજ ગુમ થયેલ બાળકો માટે હેલ્પ સેન્ટર અંગેની કામગીરી, અંબાજી ગ્રામ પંચાયત વ્યવસ્થા સંકલન સમિતિ, શાળાઓમાં રહેઠાણ સમિતિ, બેઝ કેમ્પ સમિતિ, પ્રચાર-પ્રસાર સમિતિ અને અંબાજી મંદિર વ્યવસ્થાપન સમિતિનો સમાવેશ થાય છે.