
- કોસ્ટગાર્ડના બે હેલીકોપ્ટર રાજકોટ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય
- આગમચેતીના ભાગરૂપે હોર્ડિંગ્સ ઊતારી લેવામાં આવ્યા
- દસ જિલ્લામાં NDRF-SDRFની 12-12 ટીમોનું ડિપ્લોયમેન્ટ
બિપરજોય વાવાઝોડાની દિશા બદલાઈને ગુજરાતના કચ્છ તરફના દરિયાકાંઠા બાજુએ ફંટાતા, રાજ્ય સરકારે એનડીઆરએફ અને એસડીઆરએફનું ડિપ્લોયમેન્ટ વધારી દીધું છે. કુલ કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બબ્બે તથા મોરબી, ગીર, સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં એક-એક એનડીઆરએફની ટીમ દ્વારા મોરચો સંભાળી લેવાયો છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાની તીવ્રતામાં થયો વધારો, ગુજરાતના 7 જિલ્લામાં ખતરો
દસ જિલ્લામાં NDRF-SDRFની 12-12 ટીમોનું ડિપ્લોયમેન્ટ
એસડીઆરએફ ટીમ કચ્છ, દ્વારકા, જામનગરમાં બબ્બે તથા મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણમાં એક-એક ઉતારાઈ છે. આમ 12 એસડીઆરએફ ટીમ ડિપ્લોય થઈ છે. જ્યારે વડોદરામાં બે અને ગાંધીનગરમાં એક એનડીઆરએફ ટીમ રિઝર્વ રખાઈ છે. સૂત્રો કહે છે કે, વાવાઝોડા આવવાના સંકેત દર્શાવતું લોકલ વોર્નિગ સિગ્નલ નંબર-9(એલડબ્લ્યૂ-9) જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદર પોર્ટ ઉપર લગાવવામાં આવ્યું છે. વાવાઝોડુ ડેન્જર અને ગ્રેટ ડેન્જર સ્થિતિમાં આવતાં આ સિગ્નલ બદલાઈ જશે. આવી જ રીતે ડિસ્ટન્ટ વેધર દર્શાવતું સિગ્નલ નંબર-4 (ડીડબ્લ્યૂ-2) દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના પોર્ટ ખાતે લગાવાયું છે. આ સિગ્નલ દ્વારા વાવાઝોડું આવતું હોઈ દરિયામાં ના જવા બોટ-જહાજોને સંકેત અપાય છે.
આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કાંડ મામલે હવે અસલી પત્તા ખુલશે
આગમચેતીના ભાગરૂપે હોર્ડિંગ્સ ઊતારી લેવામાં આવ્યા
વાવાઝોડાને પગલે સુરતમાં 70 કિ.મી. ઝડપનો પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે. આમ છતાં વાવાઝોડાને ધ્યાને લઈ સુરત જિલ્લા કલેક્ટરે ઓલપાડ, મજુરા અને ચોર્યાસીના 42 ગામોને એલર્ટ કરી દીધા છે. આ સાથે જ જરૂર પડે તો દરિયાકાંઠાના ગામમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવા માટે શેલ્ટર હોમ પણ તૈયાર કરી દીધા છે. શેલ્ટર હોમમાં ખસેડવા માટેની પણ તમામ તૈયારીઓ કરી દીધી છે. નવસારીના દરિયાકાંઠાના 16 ગામોને એલર્ટ કરી દેવાયા છે. તેમજ આગમચેતીના ભાગરૂપે હોર્ડિંગ્સ ઊતારી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCની બેદરકારી, પાણીની ટાંકીમાં બાળકોએ સ્વીમિંગ પુલની મોજ માણી
કોસ્ટગાર્ડના બે હેલીકોપ્ટર રાજકોટ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય
કોસ્ટગાર્ડના બે હેલીકોપ્ટર રાજકોટ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય રખાયા છે. જેમાં બે ટીમના 10 જવાનો આવ્યા છે. જેમાંથી એક ટીમે હેલીકોપ્ટર સાથે માધવપુર ઘેડના દરિયાનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને દરિયાના કરન્ટનું નિરીક્ષણ કર્યુ હતું. બંને હેલીકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમ જરૂર પડયે દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રાહત બચાવ કાર્યમાં જશે. વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને ટકરાવવાનું છે. હેલ્થ ઈમરજન્સી સર્જાય તો એઈમ્સના તબીબોની ટીમ જરૂરી તમામ દવાઓ સાથે સજ્જ રહેશે અને રાજ્ય સરકારને મદદરૂપ બનશે. રાજકોટ જિલ્લો યલો ઝોનમાં હોવાથી કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી દેવાઈ છે અને નાયબ મામલતદાર સહિતના કર્મીઓને 24 કલાક ઓન ડયુટીના ઓર્ડર કરાયા છે.