ઉત્તર ગુજરાતગુજરાત

૧૮૬૮ વર્ષના પૌરાણિક ઊંઝાના ઐતિહાસિક નિજ મંદિર ઉપર હજારો ધજાઓના આરોહણની તડામાર તૈયારીઓ

  • દાયિત્વ સ્વીકૃતિ સમારોહ યોજાયો

બનાસકાંઠા 17 જુલાઈ 2024 : શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા ઊંઝાના ઐતિહાસિક નિજ મંદિર ઉપર હજારો ધજાઓનું આરોહણ કરવા *“મા ઉમિયા ધજા મહોત્સવ” નું તા.૧૨-૦૯-૨૦૨૪ થી તા.૧૮-૦૯-૨૦૨૪ સુધી આયોજન કરવામાં આવેલ છે. મા ઉમિયા ધજા મહોત્સવની વિવિધ કમિટીઓના પદાધિકારીઓનો દાયિત્વ સ્વીકૃતિ સમારોહ આજરોજ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, ધજા મહોત્સવના ચેરમેન બાબુભાઈ પટેલ (ખોરજવાળા) અને ધજા મહોત્સવના કન્વીનર ગોવિંદભાઈ પટેલ (સનહાર્ટ ગ્રુપ), સંસ્થાના હોદ્દેદારઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ૫૦૦ થી વધારે ભાઈ-બહેનો અને કાર્યકરોની ઉપસ્થિતિ હતી. સૌ કમિટી પદાધિકારીઓએ માતાજી પ્રત્યે અતૂટ શ્રધ્ધા સાથે જવાબદારી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા વિશ્વાસ વ્યકત કર્યો.


અમેરીકા-ઓસ્ટ્રેલીયા-કેનેડા-લંડન અને અન્ય દેશોમાંથી ૪૫૦ થી વધારે ધજાઓનું રજીસ્ટ્રેશન થયુ છે. ધર્મ ધજા રૂ. ૧૧૦૦/- વાળી ૭૫૦૦ તેમજ ઉમા પ્રાગટય ધજા રૂ. ૫૧૦૦/- વાળી ૮૦૦ ધજાઓનું રજીસ્ટ્રેશન થયેલ છે, ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોનો, ઉમિયા પરિવાર સંગઠનના ભાઈ-બહેનો, સંસ્થાના સક્રિય કારોબારી સભ્યો, કાર્યકરો, મા ઉમા ભકતો ઉત્સાહથી ધજાઓનું રજીસ્ટ્રેશન કાર્ય કરી રહયા છે. આખા દિવસ દરમિયાન દરરોજ ૧૧ સ્લોટમાં દરેક સ્લોટમાં ૧૬૮ ધજા યજમાનઓનું સ્વાગત તેમજ ધજા પૂજન થયા બાદ તેમની સાથે આવનાર ઉમા ભકતોની હાજરીમાં ધજા પૂજન સ્થળ ઉમિયાબાગથી ડી.જે.ના તાલ સાથે શોભાયાત્રા સ્વરૂપે નીકળી મા ઉમિયાના મંદિરના શિખર ઉપર ધજાઓનું આરોહણ કરાશે.


ધજા મહોત્સવની વિશેષ ધજાઓની ઉછામણી તા.૧૮-૦૮-૨૦૨૪ ને રવિવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે ઊંઝા ખાતે રાખવામાં આવી છે. જેમાં દાતાશ્રેષ્ઠીઓ, સમાજશ્રેષ્ઠીઓ, કારોબારી સભ્યો, સૌ કાર્યકર્તાઓની હાજરીમાં થશે. વિશેષ ધજાઓની ઉછામણી લેનાર યજમાનોની બગીઓ, ૧૮૬૮ જવેરાવાળી બહેનો અને હજારો ભકતો સાથે શોભયાત્રા સ્વરૂપે મહોત્સવના આગળના દિવસે તા. ૧૧-૦૯-૨૦૨૪ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે મા ઉમિયાના મંદિરે ધજા આરોહણ કરવામાં આવશે. આ અંગે માહિતી આપતાં સંસ્થાના માનદ્દમંત્રી દિલીપભાઈ નેતાજીએ વધુમાં જણાવ્યુ હતું કે, આ મહોત્સવ દરમિયાન એકંદરે ૧૫ લાખ થી વધારે મા ઉમાના ભકતો પધારશે એવો આશાવાદ છે, મા ઉમિયા ધજા મહોત્સવમાં સતત “બોલ મારી ઉમિયા જય જય ઉમિયા” ના નાદથી સમગ્ર વાતાવરણ દૈદિપ્યમાન બની રહેશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 33 શંકાસ્પદ કેસ, કુલ 16 મૃત્યુ નોંધાયા, CMએ બેઠક યોજી

Back to top button