ગુજરાત

લોકસભાની ચૂંટણીની તૈયારી : રાજ્યની જિલ્લા પંચાયતોના ભાજપના 792 સભ્યો માટે અભ્યાસ વર્ગ

Text To Speech

ગુજરાત ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ગ્રામ્ય સ્તરેથી ભાજપનો પ્રભાવ વધારવા રાજ્યવ્યાપી અભ્યાસ વર્ગો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ રાજ્યની જિલ્લા પંચાયતોમાં ભાજપના ૭૯૨ સભ્યો ચૂંટાયેલા છે. તેમના માટે 24 કલાકનો રાત્રી મુકામ સાથેનો અભ્યાસ વર્ગ યોજાશે. જેનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર થશે. ત્રણ-ચાર જિલ્લાનો ભેગો અભ્યાસ વર્ગ થશે. કુલ 7 વર્ગો યોજાશે. દરેકમાં સરેરાશ 100 આસપાસ ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે.

ક્યાં – ક્યાં વર્ગો યોજાશે

ભાજપના આ વર્ગો માટે બારડોલી, પોઇચા, વડતાલ, ત્રિમંદિર, શંખેશ્વર, ગઢડા, જૂનાગઢ વગેરે સ્થાનો પસંદ કરવામાં આવ્યા છે. દરેક ચૂંટાયેલા સભ્યએ વર્ગમાં 24 કલાક હાજરી આપવાની રહેશે. જે દિવસે વર્ગ જેટલા વાગ્યે શરૃ થયો હશે તેના બીજા દિવસે તેટલા વાગ્યે પૂર્ણ થશે. વર્ગમાં સંગઠન અને શાસક પાંખ વચ્ચે સંકલન, ભાજપનો ઇતિહાસ અને વિશ્વાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો અમલ અને જનમાનસમાં અસર, જનપ્રતિનિધિ તરીકે ભજવેલી અને ભવિષ્યમાં ભજવવા ધારેલી ભૂમિકા, મતદારો સાથે ચૂંટાયેલા સભ્યનો સંપર્ક, મતક્ષેત્રનો પ્રવાસ, મત વિસ્તારમાં પંચાયત કે સરકારના માધ્યમથી કરાવેલા કામો, સોશ્યલ મીડિયાનો ઉપયોગ, લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ રાજકીય માહોલ વગેરે વિષયો પર નિષ્ણાંત વકતાઓ માર્ગદર્શન આપશે અને સભ્યો સાથે સંવાદ કરશે.

ગાંધીનગરમાં બેઠકોનો દૌર

ભાજપ દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસથી ગાંધીનગરમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેમાં ગઇકાલે અભ્યાસ વર્ગના આયોજન બાબતની બેઠક હતી. તેના પૂર્વ દિને તમામ જિલ્લા પ્રભારીઓને બોલાવી તેમની ભૂમિકા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે મધ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે. જેને લઈ ભાજપે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. આ તૈયારીઓ ભાજપે આ વખતે લોકસભાની 400 સીટ મેળવવાનું નક્કી કરી શરૂ કરી છે.

Back to top button