નમાજ પ્રકરણ: આ ખાલી નમાઝનો વિવાદ નથી, પહેલેથી બન્ને ગ્રૂપ વચ્ચે આ ચાલતું હતું: કુલપતિ, ABVPએ કહ્યું; વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ
અમદાવાદ 17 માર્ચ 2024: ર્મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. જે અંગે પોલીસ દ્વારા 20 ટોળા પર સામુહિક કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. અને વધું તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત યુનિ.નાં કુલપતિ નીરજા ગુપ્તાએ નિવેદન આપતા જણાવ્યું જણાવ્યું હતું કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ નમાઝ કરતા હતા, તે દરમિયાન કેટલાક યુવકો ત્યાં આવ્યા હતા જેથી બંને જૂથ વચ્ચે ઘર્ષણ થતાં મામલો ઉગ્ર બન્યો હતો.બહારથી આવેલા યુવકોએ વિદેશી વિદ્યાર્થીઓને માર્યા હતા. જે મામલે અમે તાત્કાલિક ફરિયાદ નોંધાવી છે.માત્ર નમાઝનો જ વિવાદ નહોતો. પહેલેથી બન્ને ગ્રૂપની વચ્ચે આ ચાલતું હતું. એ તપાસનો વિષય છે, વિદેશી વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં નમાઝ કરવી કે નહીં તે મુદ્દે અમે વિદેશી વિદ્યાર્થીઓનું કલ્ચરલ ઓરિએન્ટેશન(જે તે દેશની સંસ્કૃતિ અનૂકુળ વલણ) કરીશું. તેમજ સુરક્ષા વધે એવી વ્યવસ્થા કરીશું. પોલીસ પાસે તમામ વીડિયો પહોંચી ગયા છે. આ આખો પોલીસ તપાસનો વિષય છે.
ગુજરાત યુનિ.માં બનેલી ઘટનાએ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ કર્યાં: ABVP
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાએ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. કેમ્પસની હોસ્ટેલમાં વિવિધ દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમની સુરક્ષાની જવાબદારી યુનિવર્સિટીની છે. ABVP પ્રદેશમંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, “છાત્રાલય પરિસરમાં વિદ્યાર્થીઓ સાથે મારામારી અને તોડફોડની ઘટના છાત્રાલય અને યુનિવર્સિટી પ્રશાસનને છતી કરે છે. ઉક્ત ઘટનામાં વિદ્યાર્થીઓને ઉશ્કેરવામાં કોંગ્રેસ અને અન્ય ધાર્મિક તત્વોની ભૂમિકાની પણ તપાસ થાય તે જરૂરી છે. ABVP ગુજરાત સરકાર અને પોલીસ પ્રશાસન પાસેથી વિદ્યાર્થીઓને ઉશ્કેરવા અને હુમલો અને તોડફોડના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરે છે. તથા યુનિવર્સિટી વહીવટીતંત્ર પાસે હોસ્ટેલ અને કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવા માંગ કરે છે.”
પોલીસ કમિશનરને કડક કાર્યવાહીની સૂચના આપી છેઃ કૌશિક જૈન
દરીયાપુરના ભાજપનાં ધારાસભ્ય કૌશિક જૈન પણ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા આ જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી. જે પણ લોકો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
પોલીસ કમિશનર દ્વારા સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરાઈ
હાલમાં પોલીસ કમિશનર જી. એસ. મલિક, ક્રાઈમ બ્રાન્ચ જેસીપી નીરજ બડબુજર, સાઇબર ક્રાઇમ ડીસીપી અજીત રાજ્યાન, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ નીરજા ગુપ્તા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. આ સાથે જ રૂમ નંબર 23માં પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અને ઇન્ચાર્જ ડીસીપીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પાસેથી હોસ્ટેલ અંગેની માહિતી મેળવી છે. પોલીસ કમિશનર દ્વારા સિક્યુરિટી ગાર્ડની પણ પૂછપરછ કરવામાં આવી છે.