અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

પ્રશાંત મોહંતીઃ નામથી ઉડિયા, કામથી ગુજરાતી કે સવાયા ગુજરાતી?

અમદાવાદ, 10 ડિસેમ્બર, 2023ઃ કટકમાં વસતા પ્રશાંતકુમાર મોહંતી બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ મૂળ ઓડિશાના છે અને ઉડિયા ભાષામાં તેમણે ઘણું પ્રદાન આપ્યું છે, પણ સાથે જ તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પણ ઘણું ખેડાણ કર્યું છે.

ઓડિશાના કટકમાં 1958માં જન્મેલા પ્રશાંતકુમાર મોહંતીને અન્ય કેટલાક બિનગુજરાતીઓની જેમ સવાયા ગુજરાતી કહેવામાં કશું ખોટું નથી, કેમ કે તેઓ ઘણાં વર્ષથી ગુજરાતી સાહિત્યની રચનાઓનો ઉડિયામાં તથા ઉડિયા સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છે. તેમની આ અસાધારણ કામગીરીને કારણે ગુજરાતી તેમજ ઉડિયા – બંને ભાષાના વાચકોને બંને રાજ્યના સાહિત્યનો લાભ મળ્યો છે. પ્રશાંતકુમાર મોહંતીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાર્તાઓનો પણ ઉડિયા ભાષામાં અનુવાદ કર્યો છે.

પ્રશાંત મોહંતીની વિશેષતા એ છે કે, તેમના ગામની જે સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું હતું ત્યાં જ 1978થી 2012 સુધી તેમણે શિક્ષક અને આચાર્ય તરીકે સેવા આપી હતી. રાજ્યશાસ્ત્ર (પોલિટિકલ સાયન્સ)માં એમ.એ. કરનાર પ્રશાંત મોહંતીને દેશની વિવિધ ભાષા જાણવા-સમજવાનો ઊંડો રસ હોવાથી 1986માં પૂણેમાં ગુજરાતી લેન્ગવેજ એન્ડ લિટરેચર ફ્રોમ વેસ્ટર્ન રિજનલ લેન્ગવેજ સેન્ટરમાં ડિપ્લોમા અભ્યાસ કર્યો. આ ડિપ્લોમા અભ્યાસ દરમિયાન તેમને ગુજરાતી ભાષા પ્રત્યે એક પ્રકારે જાણે પ્રેમ થઈ ગયો અને ત્યારથી તેમણે પોતાની પસંદગીની ગુજરાતી સાહિત્યની રચનાઓનો ઉડિયા ભાષામાં અનુવાદ કરવાનું શરૂ કર્યું. પ્રશાંત મોહંતી ગુજરાતીમાંથી અંગ્રેજી તથા હિન્દીમાંથી ઉડિયા અને ગુજરાતીમાં અનુવાદ કરી શકે છે. અનુવાદની તેમની આ સેવાને ધ્યાનમાં લઈને જ તેમને 2012માં અનુવાદ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો. તેઓ ઓડિશાની અનેક સાહિત્યિક, સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેમને મળેલા અન્ય પુરસ્કારો તેમજ સન્માનપત્રોની યાદી પણ ઘણી લાંબી છે.

પ્રશાંત મોહંતી-HDNews

પ્રારંભમાં કહ્યું તેમ, બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રશાંતકુમાર મોહંતી ઉડિયા, અંગ્રેજી અને ગુજરાતીમાં લખી શકે છે. તેઓ બાળ સાહિત્ય, કવિતા, ટૂંકી વાર્તા, નિબંધ તથા અનુવાદ કરે છે. મુખ્યત્વે ગુજરાતીમાંથી ઉડિયા અને ઉડિયામાંથી ગુજરાતી અનુવાદ. તેમના ઉડિયામાંથી ગુજરાતીમાં કાવ્યનાં બે પુસ્તક છે. આઠ  વલકથાનો અનુવાદ, 13 ટૂંકી વાર્તા કલેક્શનનાં પુસ્તક, ત્રણ નિબંધ અને ત્રણ કાવ્ય કલેક્શન તેમના નામે છે. વધારે મહત્ત્વનું એ પણ છે કે, પ્રશાંત મોહંતીએ અમુક ઉડિયા સાહિત્યના ગુજરાતી અનુવાદ પણ આપ્યા છે, જેમાં સમકાલીન ઓડિયા કવિતા (ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશન), ઓડિયા પ્રેમ કવિતા (ફ્લેમિંગો પ્રકાશન) વગેરેનો સમાવેશ થાય છે.

શ્રી મોહંતી માત્ર અનુવાદક નહીં પરંતુ ઉડિયાના જાણીતા લેખક પણ છે. તેમણે લેખનનો પ્રારંભ બાળકો વિશેના લેખોથી કર્યો હતો. અત્યાર સુધીમાં તેમણે 22 પુસ્તક લખ્યાં છે જેમાં અંગ્રેજીમાં બે પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.

ડૉ. પ્રશાંત મોહંતીએ ગુજરાતી સાહિત્ય પુસ્તકોના કરેલા અનુવાદ

પ્રશાંત મોહંતી

(1) દેવી દુર્ગા-1996, પન્નાલાલ પટેલ, (2) ધુમાડાની જેમ, વિનેશ અંતાણી, (3) કૃષ્ણાયન, કાજલ ઓઝા વૈદ્ય,

નિબંધઃ

(1) કસ્તુરી મૃગ – 2023, ડૉ. દૌલતભાઈ દેસાઈ, (2) મો કથા -2005, માર્ટિન મેકવાન, (3) ઈશરસ્ય ઉપનિષદ, ઉમાશંકર જોશી

કવિતાઃ

(1) ગુજરાતી કવિતા – 2005

વાર્તા કલેક્શનઃ

(1) ગુજરાતી કથાઓની કહાની – 1999

(2) ગુજરાતી દલિત કહાની, ગુજરાતી કથા-ઉપકથા, પ્રેમ તીર્થ, શ્યામલી સહિત કુલ નવ વાર્તા સંગ્રહ

ગુજરાતીમાંથી ઉડિયામાં બાળ સાહિત્ય

(1) ગુજરાતી ગાથા (હરીશ નાયક)

(2) ગુજરાતી કહાની (રમણલાલ સોની)

પ્રશાંતકુમારે સાહિત્ય ઉપરાંત વિજ્ઞાન વિશેનાં પુસ્તકોનું પણ લેખન તથા અનુવાદ કાર્ય કર્યું છે.

આ પણ વાંચોઃ મહાન ઇતિહાસકાર જદુનાથ સરકારની આજે જન્મજયંતિ, જાણો તેમના જીવન વિશે

Back to top button