પ્રશાંત કિશોરની જાહેરાત- હાલ પાર્ટી નહીં બનાવું, બિહારમાં 3 હજાર કિલોમીટરની પદયાત્રા કરીશ
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ ન થયા બાદ એવી શક્યતાએ જોર પકડ્યું હતું કે તેઓ પોતાની નવી પાર્ટી બનાવશે. આ ઉપરાંત પ્રશાંત કિશોરના આગામી પગલાં અંગે પણ અનેક તર્કવિર્તક થતા હતા. ત્યારે આ તમામ બાબતો પર પૂર્ણવિરામ મુકતા પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ હાલ કોઈ રાજકીય પાર્ટી નહીં બનાવે. આ સાથે જ PKએ જણાવ્યું કે તેઓ બિહારમાં રાજકીય ફેરફાર માટે 3 હજાર કિલોમીટરની પદયાત્રા કરશે. આ પદયાત્રા ચંપારણથી શરૂ થશે.
પ્રશાંત કિશોરે આજે બિહારના પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમને કહ્યું કે 30 વર્ષથી લાલુ અને નીતિશના રાજ પછી પણ બિહાર દેશનું સૌથી પછાત અને ગરીબ રાજ્ય છે. વિકાસની વાતને લઈને બિહાર આજે પણ દેશમાં સૌથી અંતિમ સ્થાને છે. બિહાર જો ભવિષ્યમાં અગ્રીમ રાજ્યોની યાદીમાં આવવા માગે છે તો તેના માટે નવા વિચાર અને નવા પ્રયાસની જરૂરિયાત છે.
પ્રશાંત કિશોરે કરી બે મોટી જાહેરાત
PKએ પહેલી જાહેરાત કરતા કહ્યું કે આગામી ત્રણથી ચાર મહિનામાં હું તે 17 હજાર લોકોને મળીશ જેમને પસંદ કરવામાં આવ્યા છે. જેઓ બિહારથી જોડાયેલા છે અને અહીં બદલાવ ઈચ્છે છે. તેમની સાથે જનસ્વરાજ અંગે વાત કરીશ. તેમાંથી 2,3 કે 5 હજાર લોકો જો એકસાથે મળશે અને નક્કી કરશે કે તેમને કોઈ રાજકીય પાર્ટી કે મંચની જરૂરિયાત છે, તો તે અંગેની જાહેરાત ત્યારે કરાશે. ત્યારે પણ તે પ્રશાંત કિશોરની પાર્ટી નહીં હોય, પરંતુ તે તમામ લોકોની પાર્ટી હશે જેઓ રાજકીય સંગઠનના નિર્માણમાં ભાગીદારી આપશે.
બીજો મોટો મુદ્દે વાત કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, તેઓ બિહારની દરેક ગલી, વિસ્તાર સુધી પહોંચવા માગે છે. લોકોને જનસ્વરાજની પરિકલ્પના અંગે જણાવવા માગે છે. તેમની સમસ્યાઓને સાંભળવા માગે છે. તે માટે 2 ઓક્ટોબરથી હું પોતે પશ્ચિમી ચંપારણના ગાંધી આશ્રમથી 3 હજાર કિલોમીટરની પદયાત્રા કરીશ.
PKના સંબોધનની કેટલીક મોટી વાત
- જો બિહારને અગ્રણી રાજ્યોની યાદીમાં આવવું છે તો તે તમામ રસ્તા પર ચાલવાનું બંધ કરી દો જેના પર 10-15 વર્ષથી ચાલી રહ્યો છો. તે માટે નવા વિચાર-નવા પ્રયાસની જરૂરિયાત છે.
- આ નવા વિચાર અને નવા પ્રયાસને કોઈ એકલા ન કરી શકે. બિહારના લોકોએ તેના માટે પોતાની તાકાત લગાડવી પડશે.
- બિહારના લોકો જે અહીંની મુશ્કેલીઓને સમજે છે, જે આ સમસ્યાઓનું સમાધાન ઈચ્છે છે, બિહારને બદલવાનો જુસ્સો રાખે છે તેમને એકસાથે આવવું પડશે.
- હું કોઈ રાજકીય પાર્ટી કે મંચ નથી બનાવી રહ્યો. મારી ભૂમિકા એ હશે કે બિહારને બદલવાની ચાહ રાખવાવાળા લોકો, અહીં રહેવાવાળા લોકોને મળું અને તેમને એકસાથે લાવું.
- મારી ટીમે લગભગ 17 હજાર 500 લોકોને પસંદ કર્યા છે, જેમને હું મળવાનું છે. જેઓ ગુડ ગવર્નન્સના જે વિચાર છે તેને જમીન પર લાવવા અંગે વાત કરશે. છેલ્લાં ત્રણ દિવસોમાં 150 લોકો સાથે મીટિંગ કરી ચુક્યો છું.