તેજસ્વી યાદવને જીડીપીનો અર્થ સમજાવવા પ્રશાંત કિશોરનો પડકાર
- તેજસ્વી યાદવે GDP દર ઊંચો હોવાના કહેવા પર પીકેએ તેજસ્વી યાદવનો ઉધડો લીધો … કહ્યું, ‘જો 9મી ફેલ તેજસ્વીએ કાગળમાં જોયા વગર જીડીપીનું ફૂલફોર્મ કહી દે તો હું તેનો ઝંડો ઉઠાવીશ’
પટના: દેશના પ્રખ્યાત ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે બુધવારે જીડીપી પર નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવેદન પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જો તેજસ્વી યાદવ જીડીપીનું ફૂલફોર્મ કહી દે તો હું તેનો ઝંડો સ્વીકારી લઈશ. બિહારમાં જન સૂરજ પદયાત્રા પર નીકળેલા પ્રશાંત કિશોરે કહ્યું કે થોડા દિવસો પહેલા તમે જોયું હશે કે ‘મહાજ્ઞાની’ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે બિહારમાં સૌથી વધુ જીડીપી છે. તેઓ એ પણ નથી સમજતા કે જીડીપી શું છે? પીકેએ કહ્યું કે તેજસ્વી યાદવની ઓળખ શું છે, તે નવમું ધોરણ નપાસ માણસ છે. જો તેજસ્વી કાગળ જોયા વગર જીડીપીનું ફૂલફોર્મ કહી દે તો અમે આ કામ છોડીને તેજસ્વી યાદવનો ઝંડો લઈ લઈશું.
‘તેજસ્વીની ઓળખ માત્ર એ લાલુનો પુત્ર છે’: પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે પડકાર ફેંક્યો અને કહ્યું કે જો તેજસ્વી યાદવ કાગળમાં જોયા વિના જીડીપીનું ફૂલફોર્મ લખે તો અમે સહમત થઈ જઈશું. જીડીપીની દ્રષ્ટિએ બિહાર દેશમાં સૌથી છેલ્લા 28મા સ્થાને છે પરંતુ નાયબ મુખ્યમંત્રી કેમેરા પર કહી રહ્યા છે કે, દેશમાં સૌથી વધુ જીડીપી અમારી પાસે છે. તેજસ્વી યાદવની એકમાત્ર ઓળખ એ છે કે તેઓ લાલુ પ્રસાદના પુત્ર છે.
‘જે શાળાએ નથી ગયો તે અહીં નેતા છે’: પ્રશાંત કિશોર
પીકેએ કહ્યું, જે શાળામાં નથી ગયો, નાપાસ થયો છે અને પાછળની બેંચ પર બેઠો છે તેમ છતાં તે અહીંનો નેતા છે. તે આપણને કહે છે કે અહીં વિકાસ થઈ રહ્યો છે. તેને વિકાસ કેવી રીતે લખવો તે ખબર નથી કે આ શબ્દ લખવામાં મોટા ‘ઈ’ નો ઉપયોગ થાય છે કે નાના ‘ઇ’ નો ઉપયોગ થાય છે એ પણ ખબર નહીં હોય.
કેમ ભડક્યા તેજસ્વી યાદવ પર પ્રશાંત કિશોર ?
થોડા દિવસો પહેલા જ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે બિહારમાં સૌથી વધુ જીડીપી છે, આ વાતને લઈને પ્રશાંત કિશોરે તેમના પર કટાક્ષ કર્યા છે, તેમણે કહ્યું કે, ‘તેમને એ પણ સમજાતું નથી કે જીડીપી શું છે? જો બિહાર સૌથી વધુ જીડીપી ધરાવે છે તો કયું રાજ્ય 28માં નંબરે છે. તેમણે કહ્યું કે, જીડીપીની દ્રષ્ટિએ બિહાર દેશમાં 28મા ક્રમે છેલ્લા સ્થાને છે પરંતુ નાયબ મુખ્યમંત્રી કેમેરા પર કહી રહ્યા છે કે દેશમાં સૌથી વધુ જીડીપી અમારી પાસે છે. તેજસ્વી યાદવ જીડીપી અને જીડીપી ગ્રોથ વચ્ચેનો તફાવત સમજી શક્યા નહોતા અને કહ્યું હતું કે આપણું જીડીપી દેશમાં સર્વશ્રેષ્ઠ છે. જ્યારે તમે શાળાએ નહીં જાઓ અને જીવનમાં અભ્યાસ નહીં કરો, ત્યારે તમારી આવી જ સ્થિતિ થશે.
આ પણ વાંચો: તમે આભાર માનો એની રાહ જોઈ રહ્યો છું, વિદેશ મંત્રી જયશંકરે શા માટે આવું કહ્યું?