પ્રમુખ સ્વામીનો સંકલ્પ 27 વર્ષે પૂર્ણ થયો, અબુધાબીમાં લહેરાઈ સનાતન ધ્વજપતાકા
ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2024: 5મી એપ્રીલ 1997નો દિવસ હતો. પ.પૂ. પ્રમુખસ્વામી સંયુક્ત આરબ અમિરાત(UAE) ના શારજાહના રણની મુલાકાતે ગયા હતા. વેરાન રણમાં સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજે સંકલ્પ કરીને પ્રાર્થના કરી હતી કે ‘ વૈશ્વિક શાંતિ સ્થપાય, જુદા જુદા ધર્મો વચ્ચે સંવાદિતા સ્થપાય તથા વિવિધ સંસ્કૃતિઓ નજીક આવે અને અબુધાબીમાં મંદિરનું નિર્માણ થાય જેથી ભક્તોને ભગવાનના દર્શન ભજનનું સુખ મળે.’
આજથી ૨૭ વર્ષ પહેલા પ્રમુખસ્વામી મહારાજે જ્યારે આ સંકલ્પો કર્યા ત્યારે કોઈને સપનામાં પણ ખ્યાલ નહિ હોય કે એમના બધા જ સંકલ્પો સાકાર થશે. જે દેશની ધરતી પર તમે તમારા પાકીટમાં પણ ભગવાનનો ફોટો ન રાખી શકો એ દેશમાં મંદિર થાય એવો સંકલ્પ આકાશમાં ફૂલવાડી રચવા જેવો લાગે પરંતુ પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પનું બળ અને ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરના વિશ્વાસને લીધે ૨૭ વર્ષ પહેલાંના એમના તમામ સંકલ્પો આજે સાકાર થયા છે.
પ્રથમ સંકલ્પ : વૈશ્વિક શાંતિ સ્થપાય
જે દેશની ધરતી પર તમે જમીન પણ ન ખરીદી શકો એ દેશના મુસ્લિમ રાજા હિન્દુ મંદિર બનાવવા માટે ૨૭ એકર જમીન દાનમાં આપે એ વૈશ્વિક શાંતિનું પ્રથમ પગથિયું છે. માત્ર જમીન આપે એટલું જ નહિ, વીજળી અને પાણી પણ વિનામૂલ્યે આપે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાનએ મંદિર બનાવવા જગ્યા આપી અને તમામ પ્રકારની મદદ કરીને વૈશ્વિક શાંતિ સ્થાપવાના શ્રીગણેશ કર્યા.
બીજો સંકલ્પ : જુદા જુદા ધર્મો વચ્ચે સંવાદિતા સ્થપાય અને વિવિધ સંસ્કૃતિઓ નજીક આવે
અબુધાબીનું BAPS હિન્દુ મંદિર ધર્મસંવાદિતનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ છે. આ મંદિરના નિર્માણમાં તમામ ધર્મોએ સાથે મળીને કામ કર્યું છે. મંદિરના ભૂમિદાતા મુસ્લિમ છે, મંદિરના ડિઝાઇનર બુધ્ધિસ્ટ છે, મંદિરનું બાંધકામ કરનાર કંપનીના માલિક પારસી છે, મંદિરના પ્રોજેક્ટ મેનેજર શીખ છે અને ચેરમેન જૈન છે. મંદિરના નકશીકામમાં વિશ્વની વિવિધ સંસ્કૃતિઓને દર્શાવીને સંસ્કૃતિના સમન્વયનું કામ પણ થયું છે.
ત્રીજો સંકલ્પ : અબુધાબીમાં મંદિર થાય
સાવ અશક્ય લાગતો આ સંકલ્પ પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા પૂર્ણ થયો. સામાન્ય રીતે એક શિખર, ત્રણ શીખર કે પાંચ શિખરનું મંદિર હોય પરંતુ મિડલ ઇસ્ટનું આ પહેલું હિન્દુ મંદિર એના સંકલ્પકર્તા પ્રમુખસ્વામી મહારાજ જેવું જ ૭ શિખરનું ભવ્ય અને દિવ્ય મંદિર છે. સંયુક્ત આરબ અમિરાતના ૭ રાજયો છે. આ સાત રાજ્યોના પ્રતિક રૂપે ૭ શિખર તૈયાર કરી UAEનો વિશિષ્ટ રીતે આભાર માનવામાં આવ્યો છે. તમામ શિખર હિન્દુ ધર્મના દેવતાઓ અને ધર્મ ગ્રંથોને સમર્પિત કરવામાં આવ્યા છે. જેમ કે શિવ શિખર ભગવાન મહાદેવને સમર્પિત છે અને શિવપુરાણના વિવિધ પ્રસંગોને શિખરના પથ્થરો પર કોતરવામાં આવ્યા છે. રામ શિખર પ્રભુ રામને સમર્પિત છે જેના પર રામાયણના શિલ્પો છે. શ્યામ શિખર પ્રભુ શ્રી કૃષ્ણને સમર્પિત છે જેના પર ભાગવત અને મહાભારતના વિવિધ પ્રસંગો કોતરેલા છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર જે ગુલાબી પથ્થરો માંથી તૈયાર થયું છે એ જ ગુલાબી પથ્થરોમાંથી અબુધાબીનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આવું ભવ્યાતિભવ્ય મંદિર માત્ર ૫ વર્ષના સમયગાળામાં પૂર્ણ થઈ ગયું એ પણ ભગવાનની કૃપા છે.
આજે વસંતપંચમીના પવિત્ર દિવસે આ BAPS હિન્દુ મંદિર વૈશ્વિક કલ્યાણ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
વિશેષ અહેવાલઃ શૈલેષ સગપરિયા
આ પણ વાંચોઃ અબુધાબીમાં પ્રથમ ભવ્ય હિન્દૂ મંદિરનું PM મોદી કરશે ઉદ્ઘાટન