ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

સુરતમાં શિક્ષિકા દ્વારા બાળકીને મારવાની ઘટના: તપાસનો આદેશ

Text To Speech

સુરતના પુણાની સાધના નિકેતન શાળમાં શિક્ષિકાએ એક બાળકીને ઢોર માર માર્યો હતો. આ ઘટના વર્ગખંડમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સીનિયર કેજીમાં ભણતી બાળકીને માર મારવાની ઘટનાને દુ:ખદ ગણાવી છે. આ મામલે તાત્કાલિક પગલાં લેવા માટે તપાસનાં આદેશ આપ્યા છે. તેમજ તેઓએ શાળા અને જવાબદાર વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

રાજ્યના તમામ શિક્ષકોને ચેતવણી આપતા શિક્ષણ રાજ્ય મંત્રી એ જણાવ્યું હતું કે, આ પ્રકારનું કૃત્ય થવું ન જોઈએ અને જો આવું કાંઈ થશે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. આવી નિર્દયતા કયારેય સહન કરી લેવામાં નહિ આવે. આ પ્રકારના કૃત્યોથી વિદ્યાર્થીઓના માનસિક સંતુલન ઉપર ખૂબ ઉંડી અસર થાય છે. વાલીઓ પોતાના બાળકને આગામી સમયમાં દેશના સારા નાગરિક બની શકે તેવા હેતુથી શાળામાં મોકલતા હોય છે ત્યારે શિક્ષક દ્વારા આ પ્રકારનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહિ.

તેમણે ઉમેર્યું કે, શાળાના સીસીટીવી કેમેરામાં શિક્ષક દ્વારા કરવામાં આવતું કૃત્ય સ્પષ્ટપણે દેખાઈ આવે છે જે ખૂબ જ નિંદનીય છે. આ ઘટનાની તપાસ કરવા માટે શિક્ષણાધિકારી તાત્કાલિક શાળાએ પહોંચી ગયા છે અને આ ઘટના અંગે સંપૂર્ણ પારદર્શકતાથી તપાસ કરવામાં આવશે અને જવાબદાર શિક્ષક વિરુદ્ધ પગલા ભરવામાં આવશે. આ પ્રકારની ઘટના રાજ્યની અન્ય શાળાઓમાં ન બને તે માટે કડક સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, આ પ્રકારની ઘટના કોઈ પણ નાગરિકના ધ્યાને આવે અથવા આસપાસના વિસ્તારની શાળાઓમાં થઈ હોય તેવી જાણ થાય તો તે સંદર્ભે તાત્કાલિક સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવા મંત્રીએ જણાવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ : વિદ્યાર્થીનીઓને અશ્લિલ મેસેજ કરનાર શિક્ષક દોષિત જાહેર

 

Back to top button