પંચમહાલમાં ખરાખરીનો જંગ, પ્રભાતસિંહ સામે પત્ની અને પુત્રવધુ મેદાને


ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારોના નામ જાહેર થતા પંચમહાલમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ જોવા મળી રહ્યો છે.પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર માટે હવે પ્રશ્ન ઉભો થયો છે.

કૉંગ્રેસમાંથી પ્રભાતસિંહ તો ભાજપમાંથી પત્ની અને પુત્રવધુ
એક તરફ પ્રભાતસિંહે કોંગ્રેસના સમર્થન સાથે ફોર્મ ભર્યું છે. તો બીજી તરફ તેમના પત્ની અને પુત્રવધુ ભાજપના ઉમેદવારના પડખે ઉભા રહ્યા છે. એક જ પરિવાર બે અલગ-અલગ રાજકીય પાર્ટીઓ સાથે આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પંચમહાલની કાલોલ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું, તો કોંગ્રેસમાંથી પ્રભાતસિંહ ચૌહાણે ઉમેદવારી કરી. પરંતુ અહીં રાજકારણના રંગ જ બદલાયા છે. પ્રભાતસિંહે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી તો તેમની સામે પુત્રવધુ અને પત્ની ભાજપના ઉમેદવાર સાથે આવ્યા છે.

પ્રભાતસિંહના પુત્રવધુ અને ગત ટર્મના ભાજપના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને તેમના પત્ની રંગેશ્વરી ભાજપ સાથે જ રહેશે.ભાજપના પડખે રહેવાનો નિર્ણય કરનાર પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરીબેન અને પુત્રવધુ સુમનબેન ચૌહાણે આ વિશે કહ્યું કે પ્રભાતસિંહ કોઈ પણ પક્ષમાંથી ઉમેદવારી કરે તે એમનો વ્યક્તિગત નિર્ણય છે. પરંતુ, અમે ભાજપ સાથે જ છીએ. અમે ફતેસિંહને જંગી લીડથી જીતાડીશું.