પાપુઆ ન્યૂ ગિનીમાં શક્તિશાળી ભૂંકપથી ધરતી કંપી ઉઠી, તીવ્રતા 6.9 નોંધાઈ
પોર્ટ મોરેસ્બી (પાપુઆ ન્યૂ ગિની), 24 માર્ચ: પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ભૂકંપ બાદ અરાજકતાનો માહોલ છે અને પ્રશાસન ભૂકંપ સંબંધિત માહિતી એકત્ર કરવામાં સતત વ્યસ્ત છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપની ઊંડાઈ 35 કિમી હતી અને એપી સેન્ટર અંબુટી ક્ષેત્રથી 32 કિમી દૂર હતું. જો કે, ભૂકંપના કારણે કોઈના મૃત્યુના સમાચાર સામે આવ્યા નથી.
Notable quake, preliminary info: M 6.9 – 32 km ENE of Ambunti, Papua New Guinea https://t.co/1NgVdDwCIy
— USGS Earthquakes (@USGS_Quakes) March 23, 2024
અગાઉ પણ ભૂકંપે તારાજી સર્જી હતી
જો કે ભૂકંપના કારણે કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી હજુ મળી નથી. મહત્ત્વનું છે કે, પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપ સામાન્ય છે, કારણ કે આ વિસ્તાર રિંગ ઑફ ફાયર પર સ્થિત છે. જ્યાં સામાન્ય રીતે ભૂકંપ આવે છે. આ જગ્યાએ ટેક્ટોનિક પ્લેટોની સ્થિતિ બદલાતી રહે છે. ગત વર્ષે અહીં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 7 માપવામાં આવી હતી. આ દરમિયાન 7 લોકોનાં મૃત્યુ થયા હતા.
ઈન્ડોનેશિયામાં પણ ભૂકંપ આવ્યો હતો
આ પહેલા 22 માર્ચે ઈન્ડોનેશિયાના જાવા આઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ આ અંગે જણાવ્યું કે શુક્રવારે ઇન્ડોનેશિયાના જાવા આઇલેન્ડ નજીક 6.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રાજધાની જકાર્તામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા તીવ્ર હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ ભૂકંપની ઊંડાઈ લગભગ 8 કિમી હતી. ઉપરાંત, ભૂકંપનું કેન્દ્ર બાવન ટાપુ નજીક જાવા ટાપુના ઉત્તરી કિનારે નોંધાયું હતું.
આ પણ વાંચો: ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંધાઈ