ડીસાના 7 ગામડાઓમાં 40 કલાક બાદ પણ વીજપુરવઠો ઠપ : લોકોએ જાતે જ વિજલાઈન પર પડેલા વૃક્ષો દૂર કર્યા


પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં અનેક વીજડીપી અને થાંભલાઓ ધરાશઇ થઈ જતા 40 કલાક બાદ પણ 7થી વધુ ગામડાઓમાં હજુ સુધી વીજળી ચાલુ થઈ નથી.
અતિ ઝડપે ફૂંકાયેલા પવનથી આવેલા વાવાઝોડાએ બનાસકાંઠા જિલ્લાને ઘમરોળી નાખ્યું છે અને અનેક જગ્યાએ લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તેમાંથી યુજીવીસીએલ પણ બાકાત રહી શક્યું નથી.
ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં 100થી વધુ વીજ થાંભલાઓ ધરાશાઈ થઈ ગયા છે. જ્યારે અનેક જગ્યાએ વીજડીપી પણ નુકસાનગ્રસ્ત થઈ છે. જેના કારણે ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને 40 કલાક બાદ પણ હજુ 7થી વધુ ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ થયો નથી. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે થેરવાડા ગામના યુવા ખેડૂત અગ્રણી શૈલેષ ચૌધરીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે અમારા ગામમાં પણ મોટું નુકસાન થયું છે. વર્ષો જૂના ઝાડ વીજ લાઈન પર પડતા વાયરો અને થાંભલાઓ પડી જતા વીજપુરવઠો બંધ થઈ ગઈ છે. ત્યારબાદ અમે સ્થાનિક ઓફિસમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ જ યુજીવીસીએલની ટીમ તપાસ માટે આવી નથી. અમે લોકોએ જાતે જ વીજ લાઈન પર પડેલા ઝાડ કાપીને દૂર કર્યા છે. વીજળી ન હોવાના કારણે ત્રણ દિવસથી પાણી આવ્યું નથી. જેથી પશુપાલન સહિત લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
આ પણ વાંચો : વાવાઝોડું આવતાં કેરીનો ફાલ ખરી પડ્યો : ડીસામાં આંબાના ઝાડ ભાડે રાખતા પરિવારોને અઢીથી ત્રણ કરોડનું નુકસાન